લદ્દાખ: ભારતીય સરહદેથી પરત ફર્યા ચીની સૈનિકો, ટેન્ટ પણ દૂર કર્યાં

લદ્દાખ- લદ્દાખના પૂર્વ વિસ્તરના ડેમચોક સેક્ટરમાં ભારતીય સરહદમાં 400 મીટર અંદર ઘૂસી આવેલ ચીની સૈનિકો તેમની સરહદમાં પરત જતાં રહ્યાં છે. મળતી માહિતી મુજબ ચીની સૈનિકોએ તેમના ટેન્ટ પણ હટાવી લીધાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી સપ્તાહમાં ચીનન રક્ષાપ્રધાન ભારત આવી રહ્યાં છે અને તેમની સાથેની બેઠકમાં મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે. આ જોતાં ચીનના સૈનિકો પાછા ખસી ગયાં છે.ડેમચોક સેક્ટર વિસ્તારમાં મોટાભાગે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે વિવાદ સર્જાતો રહે છે. ભારત કહે છે કે, આ વિસ્તાર તેની સરહદમાં આવે છે. અને ચીનના સૈનિકોએ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી છે. જ્યારે ચીન કહે છે કે, આ વિસ્તાર તેના કબજામાં આવે છે.

આપને જણાવી દઈએ કે, ગત વર્ષ પૂર્વોત્તર ભારતના સિક્કીમ સેક્ટરના ડોકલામ વિસ્તારમાં ભારત અને ચીનની સેનાઓ બે મહિના કરતાં પણ વધુ સમય સુધી આમને-સામને રહી હતી. અને લાંબા રાજકીય પ્રયાસો પછી સમાધાન લવી શકાયું હતું. જોકે ચીન તેની હરકતો છોડવાનું નામ નથી લઈ રહ્યું.

4,057 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ચીન વિવિધ સ્થળોએ ભારતીય સરહદમાં અતિક્રમણ કરતું રહ્યું છે. સંરક્ષણ મથકોના સૂત્રોના જણાવ્યા મુજબ બન્ને દેશોની સેનાઓ વચ્ચે બ્રિગેડિયર સ્તરની ચર્ચા બાદ ચીની સૈનિકોએ ચેરડોન્ગ-નેરલોન્ગ નાલ્લાન વિસ્તારમાંથી 3 તંબુઓ દૂર કર્યા હતા. જોકે બે તંબૂ દૂર કરવાના બાકી હતા. જેમાં ચીની સૈનિકોની હજરી હતી. જોકે હવે આ સૈનિકો તેમના તંબુઓ લઈને પરત જતા રહ્યાં છે.