જજોની રજાઓ પર CJI ગોગોઈએ લગાવ્યો બેન: પડતર કેસો ઉકેલવા કવાયત

0
1807

નવી દિલ્હી- ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનો પદભાર સંભાળ્યા બાદ CJI રંજન ગોગોઈએ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાઈકોર્ટના વરિષ્ઠ જજો સાથે વાત કરી હતી અને તમામને કોર્ટના કામ પૂરાં કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત CJI ગોગોઈએ જજોને ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચારનો મુકાબલો કરવાની વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.મળતી માહિતી મુજબ CJI રંજન ગોગોઈએ હાઈકોર્ટના જજોને કાર્યદિવસના દિવસે રજા નહીં લેવા કહ્યું છે. આ ઉપરાંત કામ કરવાના કલાકો દરમિયાન કોર્ટમાં હાજર રહેવા પણ જણાવ્યું છે. આ સિવાય વીડિયો કોન્ફરન્સ દરમિયાન CJIએ કોર્ટમાં અધિવક્તાઓને જજોની નિયુક્તિ કરવા અંગે પણ ભાર મુક્યો હતો. જસ્ટિસ ગોગોઈએ પડતર કેસોના જલદી ઉકેલ માટે નીચલી અદાલતમાં ખાલી પડેલા પદોને ભરવાની પણ વાત કરી હતી.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈએ એક દશકથી વધુ સમયથી કોર્ટમાં અંતિમ ચુકાદા માટે પડતર રહેલાં અપરાધિક કેસને જલદીથી પૂરાં કરવાની શરુઆત કરી છે. કોર્ટમાં બુધવાર અને ગુરુવારે અપરાધિક અપીલોની સુનાવણી ઓછામાં ઓછી પાંચ બેન્ચવાળી ખંડપીઠ કરશે.