LoC પર પાકિસ્તાને કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જવાબ

શ્રીનગર- જમ્મુકશ્મીર સ્થિત પાકિસ્તાન સરહદે યુદ્ધવિરામ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાકિસ્તાન તરફથી સરહદ પર અવારનવાર ફાયરિંગ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવે છે. બુધવારે પણ કશ્મીરના ભીનબેર ગલી અને પૂંછ સેક્ટરના શાહપુર વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાની સેનાના જવાનોએ ભારતીય ચોકીઓને ટાર્ગેટ કરીને ફાયરિંગ કર્યું. ઉપરાંત સરહદ પરના ગામડાઓને ટાર્ગેટ કરીને મોર્ટાર શેલ પણ છોડ્યા હતા. જવાબમાં ભારતીય સેનાએ ફાયરિંગ કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમના (BAT) આશરે 7થી 8 આતંકીઓનું એક જૂથ LoC પાર કરીને ભારતની સરહદમાં દાખલ થયું હતું. બાદમાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરીને BATના આતંકીઓને ભારતની સરહદમાંથી કાઢી મૂક્યા હતા.

પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામની સતત વધી રહેલી ઘટનાઓને પગલે ભારતીય સેનાના ચીફ જનરલ બિપિન રાવતે પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું કે, જો પાકિસ્તાન નહીં સુધરે તો ભારત વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક કરતાં પણ અચકાશે નહીં. સૂત્રોનું માનીએ તો સરહદે હજી પણ અનેક આતંકીઓ ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે.