કેફે કોફી ડેનાં સ્થાપક સિદ્ધાર્થનો મૃતદેહ નેત્રાવતી નદીના કાંઠા પરથી મળી આવ્યો

મેંગલુરુ – કોફી ઉદ્યોગના મહારથી અને કેફે કોફી ડેનાં સ્થાપક વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ 36 કલાકની શોધખોળ બાદ મેંગલુરુમાં નેત્રાવતી નદીનાં કાંઠા પર મળી આવ્યો છે.

મૃતદેહ મેંગલુરુમાં હોઈગ બાઝાર વિસ્તારમાં નદીનાં કાંઠા પર મળી આવ્યો હતો.

58 વર્ષીય સિદ્ધાર્થ ગયા સોમવારે રાતથી લાપતા થયા હતા. એમની શોધખોળમાં એનડીઆરએફ, કોસ્ટ ગાર્ડ, હોમ ગાર્ડ, સ્થાનિક પોલીસ, સ્થાનિક ફાયર બ્રિગેડના જવાનો પ્રયત્નશીલ હતા.

સિદ્ધાર્થ ભાજપના નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસ.એમ. કૃષ્ણાના જમાઈ હતા.

સિદ્ધાર્થને છેલ્લે એમના કાર ડ્રાઈવરે સોમવારે સાંજે જોયા હતા. નેત્રાવતી નદીના એક પૂલ પાસે એમણે કાર અટકાવી હતી અને ડ્રાઈવરને કહ્યું હતું કે પોતે અડધા કલાકમાં પાછા આવે છે. એમ કહીને તે એમના મોબાઈલ ફોન પર કોઈકની સાથે વાત કરતાં નેત્રાવતી નદીના પૂલ તરફ આગળ વધ્યા હતા. અડધા કલાકથી પણ વધારે સમય થવા છતાં સિદ્ધાર્થ પાછા ન ફરતાં ડ્રાઈવરે સિદ્ધાર્થને ફોન જોડ્યો હતો, પણ એ સ્વિચ્ડ ઓફ હતો. એટલે એણે સિદ્ધાર્થના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોએ તરત જ પોલીસને જાણ કરી હતી.

સિદ્ધાર્થ કોઈ આર્થિક દેવામાં હોવાનું મનાય છે. એમણે કથિતપણે લખેલો એક પત્ર વાયરલ થયો છે જેમાં એમણે કેફે કોફી ડેનાં તેમનાં કર્મચારીઓની માફી માગી હતી કે પોતે કંપનીને નફાકારક બનાવવામાં નિષ્ફળ ગયા છે.

એમણે વધુમાં એમ પણ લખ્યું હતું કે ખાનગી ઈક્વિટી ભાગીદારોનાં સખત દબાણને કારણે પોતે હવે બધું છોડી રહ્યા છે. એમને ઈન્કમ ટેક્સ વિભાગના એક ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ તરફથી પણ સતામણી થતી હતી એવું પણ એમણે પત્રમાં જણાવ્યું છે.

જોકે ઈન્કમ ટેક્સ વિભાગે આ પત્રની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવ્યો છે.