CBSE 10મા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર; 86.70 ટકા વિદ્યાર્થી પાસ થયા

નવી દિલ્હી – સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યૂકેશન (CBSE) દ્વારા 10મા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 86.70 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
અગાઉ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ ખાતાના સેક્રેટરી અનિલ સ્વરૂપે એવી જાહેરાત કરી હતી કે પરિણામ આજે સાંજે 4 વાગ્યે જાહેર કરાશે, પણ એ સત્તાવાર વેબસાઈટ https://cbseresults.nic.in પર આજે બપોરે 1 વાગ્યા પછી તરત મૂકી દેવાયું હતું.

આ ઉપરાંત ગૂગલ સર્ચ પેજ, બિંગ સર્ચ પેજ, એસએમએસ ઓર્ગેનાઈઝર એપ અને UMANG એપ ઉપર પણ આ પરિણામ જોઈ શકાય છે.

વિદ્યાર્થીઓ એમનું પરિણામ આ ટેલિફોન નંબર ઉપર કોલ કરીને પણ જાણી શકે છે, 011 – 24300699 અથવા 7738299899 નંબર પર એસમએસ મોકલીને પણ પરિણામ જાણી શકે છે.

500માંથી 499 માર્ક્સ મેળવનાર એક, બે નહીં, પણ ચાર-ચાર વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થીઓ છે – પ્રખર મિત્તલ (ગુડગાંવ), રિમઝિમ અગ્રવાલ (બિજનોર), નંદિની ગર્ગ (શામલી) અને શ્રીલક્ષ્મી (કોચીન).

દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં ટોપ-3 ક્રમાંક આ પ્રમાણે છે. ગુડગાંવની અનુષ્કા પાંડાએ 500માંથી 489 માર્ક્સ મેળવ્યા છે. ગાઝિયાબાદની સાન્યા ગાંધીએ પણ 500માંથી 489 માર્ક્સ મેળવ્યા છે. ઓડિશાના સોમ્યા દીપ પ્રધાને 484 માર્ક્સ મેળવ્યા છે.

92.55 ટકા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી છે.

કુલ વિદ્યાર્થીઓમાંથી, 88.67 ટકા છોકરીઓ અને 85.32 ટકા છોકરાઓ પાસ થયા છે.