CBSEનું 12માં ધોરણની પરીક્ષાનું એકાઉન્ટનું પેપર લીક

નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજીત બોર્ડની પરીક્ષાનું એકાઉન્ટનું પેપર લીક થયું હોવાની માહિતી સામે આવી છે. દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ આ વાતને સમર્થન આપ્યું છે કે જે પેપર સાંજે સોશિયલ મીડિયા પર આવી ગયું હતું તેની સાથે જોડાયેલા પ્રશ્નો જ આજના પેપરમાં પુછાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પેપરના પુછાનારા પ્રશ્નો ગઈકાલે સાંજે જ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વ્હોટ્સઅપ પર પણ સીબીએસઈના પેપરને શેર કરવામાં આવી રહ્યું હતું. મનીષ સીસોદિયા પાસે પણ આ પેપર આવ્યું અને તેને ક્રોસ ચેક કરવામાં આવ્યું હતું. મનીષ સીસોદીયાએ જણાવ્યું કે મેં સચિવ અને શિક્ષણ વિભાગને સમગ્ર મામલે તપાસ કરવા જણાવ્યું છે અને સાથે જ મનીષ સીસોદીયાએ એમ પણ જણાવ્યું કે એ વાત 100 ટકા સાચી છે કે સેટ-2 પેપરના સવાલો વાયરલ થયેલા પેપરના સવાલો સાથે મેચ થઈ રહ્યા છે.

તો આ સાથે જ મનીષ સીસોદીયાએ ટ્વીટ કરીને જાણકારી આપી કે 12મા ધોરણની બોર્ડની પરીક્ષાનું એકાઉંટનું પેપર લીક થવાની ફરીયાદો મળી ત્યાર બાદ અધિકારિઓને તપાસ કરવા અને ફરીયાદ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. તો આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે જેથી કરીને જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે તેમને સીબીએસઈની લાપરવાહીનો શીકાર ન બનવું પડે.