એકસમયે ભ્રષ્ટાચાર મુદ્દે મમતાનો વિરોધ હતો, હવે રાહુલ ગાંધીએ આપ્યું સમર્થન

નવી દિલ્હીઃ શારદા ગોટાળામાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવકુમારના ઘરે પહોંચેલી સીબીઆઈની ટીમ બાદ બંગાળમાં સર્જાયેલા વિવાદ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના સમર્થનમાં આગળ આવ્યાં છે.

રાજીવ કુમારના ઘરે સીબીઆઈની ટીમ પહોંચ્યા બાદ મમતા બેનર્જી કોલકત્તામાં ધરણા પર બેસી ગયાં છે. ત્યારબાદ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો મમતા બનર્જીના સમર્થનમાં ઉતરી આવ્યાં છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ, તેજસ્વી યાદવ સહિત ઘણા વિપક્ષી નેતાઓએ મમતા બેનર્જી સાથે વાત કરીને આ લડાઈમાં તેમની સાથે ઉભા રહેવાનું આશ્વાસન આપ્યું છે.

રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી અને તેમના પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરતાં કહ્યું કે આખુ વિપક્ષ એકસાથે છે અને તે ફાંસીવાદી તાકાતોને હરાવશે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળનો ઘટનાક્રમ ભારતની સંસ્થાઓ પર વડાપ્રધાન મોદી અને ભાજપાના નિરંતર હુમલાઓનો ભાગ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ખભેખભો મીલાવીને મમતા સાથે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે આખો વિપક્ષ એક સાથે ઉભો રહેશે અને ફાંસીવાદી તાકાતોને હરાવશે.

હવે મમતા બેનર્જીના સમર્થનમાં આવેલા રાહુલ ગાંધીએ વર્ષ 2016માં ભ્રષ્ટાચાર મામલે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. તેમણે મમતા પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે ભ્રષ્ટાચારની વાત કરનારા મમતા બેનર્જી હવે ખુદ આરોપીઓની રક્ષામાં ઉભા છે. કોંગ્રેસના ટ્વિટર અકાઉન્ટ પર આ ટ્વિટ હજી પણ વિદ્યમાન છે, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મમતાજી કહેતા હતા કે ભ્રષ્ટાચારને બંગાળમાંથી મીટાવી દઈશું પરંતુ જ્યારે તેમને ભ્રષ્ટાચાર દેખાયો, તેમની સામે તેમના લોકોએ ચોરી કરી ત્યારે મમતાજીએ તેમના પર એક્શન ન લીધું પરંતુ તેમનું રક્ષણ કર્યું. આ સીવાય એક રેલીમાં મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહાર કરતા રાહુલનો વીડિયો પણ સામે આવ્યો છે.