CBIને પ્રથમ સફળતા, ભારત લવાયો વિદેશ ભાગેલો મોહમ્મદ યાહ્યા

નવી દિલ્હી- બેંકો સાથે છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલા લોકો પર સરકાર કડક થઈ રહી છે. જે અંતર્ગત સરકારને એક મોટી સફળતા મળી છે. 9 વર્ષ પહેલાં કેટલીક બેંકો સાથે કૌભાંડ આચરી બહેરીન ભાગેલા શખ્શ મોહમ્મદ યાહ્યાને CBI ટીમ પકડીને ભારત લાવી છે.કૌભાંડકારો પર કડક પગલા લેવા માટે ઓગસ્ટમાં બનાવવામાં આવેલા સખત કાયદા બાદ આ પ્રથમ ઘટના છે જ્યારે સરકાર કોઈ ભાગેડુને દેશમાં પરત લાવી શકી છે. આ અપરાધી નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા જેવા કૌભાંડીઓની સરખામણીમાં ઘણો નાનો છે. છતાં તેનું પકડાવું એ એજન્સી માટે સકારાત્મક સંદેશ છે.

મોહમ્મદ યાહ્યાને બહેરીનથી પકડવામાં આવ્યો છે. ગત ઘણા સમયથી ભારતીય તપાસ એજન્સીઓની તેના પર નજર હતી. બહેરીનથી તેની ધરપકડ કરી જરુરી કાર્યવાહી પૂર્ણ કરી તેને ભારત લાવવામાં આવ્યો છે. મોહમ્મદ યાહ્યા વિરુદ્ધ CBIએ વર્ષ 2009માં તપાસ શરુ કરી હતી. ત્યાં સુધીમાં તે દેશ છોડીને ભાગી ગયો હતો.