કઠુઆ, ઉન્નાવમાં બળાત્કાર: દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે મધરાતે રાહુલની કેન્ડલ માર્ચ

નવી દિલ્હી – કઠુઆ (જમ્મુ) અને ઉન્નાવ (ઉત્તર પ્રદેશ)માં ગેંગરેપની બનેલી ઘટનાઓ સામેના વિરોધમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે મધરાતે અત્રે ઈન્ડિયા ગેટ ખાતે કેન્ડલ લાઈટ માર્ચ કાઢી છે. બરાબર 12 વાગ્યે તેઓ ઈન્ડિયા ગેટ આવી પહોંચ્યા હતા.

આ શાંત દેખાવોમાં રાહુલની સાથે કોંગ્રેસના અનેક નેતાઓ તેમજ સામાન્ય લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. તે ઉપરાંત રાહુલના બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રા અને બનેવી રોબર્ટ વાડ્રા પણ જોડાયા છે.

રાહુલ ગાંધીએ આ કૂચ માટે દિલ્હી પોલીસ પાસેથી પરવાનગી લીધી નથી. ઈન્ડિયા ગેટ વિસ્તાર સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાય છે.

આ જ વિસ્તારમાં 2012ના ડિસેમ્બરમાં નિર્ભયા કાંડને પગલે થયેલા દેખાવો બાદ દિલ્હી પોલીસ અહીં કોઈ પણ પ્રકારની કૂચ કે વિરોધ-દેખાવો કરવાની ઝટ પરવાનગી આપતી નથી.

httpss://twitter.com/RahulGandhi/status/984463414947758081

રાહુલ ગાંધીએ અગાઉ ગુરુવારે રાતે એમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, ભારતના કરોડો નાગરિકોની જેમ આજે મારું દિલ પણ દુખી છે. મહિલાઓનાં આ રીતે થતા અપમાનને દેશ સાંખી નહીં લે. ન્યાયની માગ અને હિંસાની વિરુદ્ધમાં આજે રાતે 12 વાગ્યે ઈન્ડિયા ગેટ ખાતે પહોંચજો અને મારી સાથે શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચમાં સામેલ થજો.

જમ્મુ અને કશ્મીરના જમ્મુ પ્રાંતના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની આસીફા નામની છોકરીનું છ પુરુષો ગયા જાન્યુઆરીમાં અપહરણ કરી ગયા હતા અને ગામના એક મંદિરમાં એક અઠવાડિયા સુધી એને ગોંધી રાખી હતી હતી અને એની પર સામુહિક બળાત્કાર કર્યો હતો. બાદમાં નરાધમોએ એ છોકરીને મારી નાખી હતી. બદમાશોએ એ છોકરીનું 10 જાન્યુઆરીએ અપહરણ કર્યું હતું અને 14 જાન્યુઆરીએ એને ગળું દાબીને મારી નાખી હતી. છોકરીનો મૃતદેહ 17 જાન્યુઆરીએ મળ્યો હતો.

જ્યારે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 18 વર્ષની એક યુવતીએ આરોપ મૂક્યો છે કે ભાજપના સંસદસભ્ય કુલદીપ સિંહ સેંગર અને એના સાથીઓએ 2017ના જૂનમાં એની પર સામુહિક બળાત્કાર કર્યો હતો. સત્તાવાળાઓએ યુવતીની ફરિયાદ નોંધવાનો ઈનકાર કર્યો હતો. યુવતીએ એવો પણ દાવો કર્યો છે કે એનાં પિતાનાં પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુમાં પણ સેંગરનો હાથ છે. 50 વર્ષની ઉંમરના તેના પિતાને ગયા સોમવારે રાતે જિલ્લા જેલમાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ સારવાર દરમિયાન એમનું મરણ નિપજ્યું હતું. આર્મ્સ એક્ટ હેઠળ ગઈ પાંચ એપ્રિલે એમની ધરપકડ કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]