બંગાળ: હાઈકોર્ટ નહીં કરે પંચાયત ચૂંટણીમાં હસ્તક્ષેપ, ચૂંટણી પંચને લગાવી ફટકાર

કોલકાતા- કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા પંચાયત ચૂંટણી કાર્યક્રમમાં કોઈપણ જાતનો હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો છે. જોકે હાઈકોર્ટે ચૂંટણી પંચને ફટકાર લગાવતા કહ્યું છે કે, ચૂંટણી પંચે નિષ્પક્ષતાથી વર્તન કરવું જોઈએ અને કોર્ટની ટિપ્પણીને ગંભીરતાથી લેવી જોઈએ.પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પંચના વ્યવહાર અંગે કડક ટિપ્પણી કરતાં ન્યાયમૂર્તિ બી. સોમાદર અને ન્યાયમૂર્તિ એ. મુખરજીની ખંડપીઠે જણાવ્યું કે, રાજ્ય ચૂંટણી પંચ તેની બંધારણીય જવાબદારીને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. વધુમાં હાઈકોર્ટની બેન્ચે જણાવ્યું કે, રાજ્ય ચૂંટણીપંચ કોર્ટની ટિપ્પણીને ગંભીરતાથી લેશે અને તેની વિશ્વસનીયતાને પુનર્સ્થાપિત કરવા માટે કામ કરશે તેની કોર્ટને આશા છે.

જોકે અદાલતે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો હતો. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના સ્થાનિક વિભાગના મહાસચિવ રિત્જુ ઘોષાલે કરેલી અરજીની પર અદાલત સુનાવણી કરી રહી હતી. જેમણે કહ્યું હતું કે, ચૂંટણી પંચના જાહેરનામામાં ઉમેદવારે નામ દાખલ કરવાથી લઈને પરિણામોની જાહેરાત સુધીની તારીખોનો ઉલ્લેખ કરવો જોઈએ. આ અરજીમાં ચૂંટણી પંચની અધિસૂચનાને નકારી કાઢવાની માગણી કરવામાં આવી હતી.