શેરડીના ખેડૂતોને મોદી સરકાર તરફથી મોટી ભેટ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તરફથી દેશમાં શેરડી ઉગાડનાર પાંચ કરોડ જેટલા ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે. સાકરની નિકાસ કરાનાર હોવાથી તેનો લાભ આ ખેડૂતોને આપવામાં આવશે. સીધા એમના બેન્ક ખાતામાં જ સબ્સિડીની રકમ જમા કરવામાં આવશે. સરકારે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે. એમાંથી જે કમાણી થશે એની સબ્સિડીને સીધા પાંચ કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

સરકાર સબ્સિડી તરીકે રૂ. 3,500 કરોડ આપશે. આ સબ્સિડી રૂ. 6,000 પ્રતિ ટનના હિસાબે આપવામાં આવશે. ખેડૂતો એમણે ઉગાડેલી શેરડી સાકરના કારખાનાઓને વેચી દે છે, પરંતુ સાકરના કારખાના માલિકો તરફથી એમને પૂરતું વળતર આપવામાં આવતું નથી, કારણ કે એમની પાસે સાકરનો સરપ્લસ સ્ટોક હોય છે. તેથી સરકાર આ સાકરના આ સરપ્લસ સ્ટોકને ઉપાડશે. એને કારણે શેરડીના ખેડૂતોને એમનું બાકીનું પેમેન્ટ મળી જશે.