પેટાચૂંટણીનાં પરિણામોઃ ભાજપનું સંખ્યાબળ ઘટ્યું; લોકસભામાં હજી પાતળી બહુમતી છે

નવી દિલ્હી – 10 રાજ્યોમાં લોકસભાની 4 બેઠક અને વિધાનસભાની 10 બેઠકોની પેટાચૂંટણીના આજે આવેલા પરિણામોએ નરેન્દ્ર મોદી અને અમિત શાહના બળે ચાલતી ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો આપ્યો છે, તે છતાં આ પાર્ટીએ લોકસભામાં હજી બહુમતી જાળવી રાખી છે.

લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપ એની ત્રણમાંથી માત્ર એક જ સીટ જાળવી શકી છે. બાકીની બે ગુમાવી દીધી છે. 539-સભ્યોના લોકસભા ગૃહમાં સ્પષ્ટ બહુમતી માટે 272નું સંખ્યાબળ હોવું જરૂરી છે.

લોકસભામાં 543 ચૂંટાયેલા સભ્યો છે, પણ એની ચાર સીટ પ્રતિનિધિત્વ ધરાવતી નથી.

કર્ણાટકમાં ત્રણ સંસદસભ્યોએ રાજીનામું આપ્યું છે જ્યારે કશ્મીરમાં અનંતનાગ બેઠક ખાલી પડેલી છે. ત્યાંની પેટાચૂંટણી ગયા વર્ષના મે મહિનામાં અચોક્કસ મુદત સુધી મુલતવી રાખવામાં આવી છે. આમ, મેજોરિટીનો આંક 270 છે.

તે છતાં ભાજપ પાસે 274નું સંખ્યાબળ છે. બે નોમિનેટ કરાયેલા સભ્યો પણ એના જ છે. આમ, 541-સભ્યોના ગૃહમાં બહુમતી માટે જરૂરી 271 સીટ કરતાં ભાજપ પાસે 3 બેઠક વધારે છે.

ભાજપે આજની પેટાચૂંટણીના પરિણામોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન છત્તીસગઢમાં પરાજય મેળવ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 282 બેઠક જીતી હતી. એની સરખામણીમાં એનું સંખ્યાબળ ઘટી ગયું છે.

તે છતાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ની વાત કરીએ તો એનું કુલ સંખ્યાબળ 315 થાય છે.

લોકસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી માટે ગઈ 28 મેએ મતદાન યોજાયું હતું. 2014ની ચૂંટણીમાં ભાજપે આમાંની ત્રણ બેઠક જીતી હતી, પણ આજના પરિણામોમાં એ માત્ર એક જ જીતી શકી છે અને બે બેઠક ગુમાવી દીધી છે. ભાજપે મહારાષ્ટ્રમાં એક બેઠક જીતી છે (પાલઘર) અને એક ગુમાવી છે (ભંડારા-ગોંદિયા). એવી જ રીતે, ઉત્તર પ્રદેશમાં કૈરાના બેઠક ગુમાવી છે. નાગાલેન્ડમાં, તેના મિત્ર એનડીપીપી પક્ષે તેની બેઠક જીતી બતાવી છે.

તબસ્સુમ હસન

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેથી આજની પેટા-ચૂંટણીઓના પરિણામોએ વિપક્ષી એકતાને મોટું બળ પૂરું પાડ્યું છે. ઉત્તર પ્રદેશના કૈરાનામાં, ભાજપની સીટને અજિત સિંહની રાષ્ટ્રીય લોકદળ પાર્ટીએ છીનવી લીધી છે. ત્યાં એની મુસ્લિમ ઉમેદવાર તબસ્સુમ હસન વિજેતા નિવડી છે. આ ઉમેદવારને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો હતો. તબસ્સુમે ભાજપનાં મહિલા ઉમેદવાર મ્રિગાંકા સિંહને 55 હજાર મતોથી પરાજય આપ્યો છે.

રાજેન્દ્ર ગાવિત (પાલઘર)

આ બેઠક પર ભાજપના નેતા હુકુમ સિંહના મૃત્યુને પગલે અહીં પેટાચૂંટણી કરવી પડી છે. ભાજપે હુકુમ સિંહના પુત્રી મ્રિગાંકા સિંહ ટિકિટ આપી હતી.

ઉત્તર પ્રદેશમાં નુરપૂર વિધાનસભા બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારે ભાજપના ઉમેદવારને પરાજય આપ્યો છે. અહીં સમાજવાદી પાર્ટીના નૈમુલ હસને ભાજપના અવનિ સિંહને 6,200 મતોથી પરાજય આપ્યો છે.

રાષ્ટ્રીય લોકદળના કાર્યકર્તાઓ વિજયનો આનંદ માણે છે

આ જ વર્ષના માર્ચમાં, ભાજપ ઉત્તર પ્રદેશમાં તેની ગોરખપુર અને ફુલપુર લોકસભા બેઠકોને જાળવી રાખવામાં પણ નિષ્ફળ ગયો હતો. એમાં સમાજવાદી પાર્ટી વિજયી થઈ હતી.

મહારાષ્ટ્રમાં, મુંબઈની પડોશમાં આવેલા પાલઘરની લોકસભા બેઠક પર ભાજપે જીત મેળવી છે. ત્રિપાંખિયા જંગમાં ભાજપના રાજેન્દ્ર ગાવિત વિજયી થયા છે. એમણે શિવસેનાના શ્રીનિવાસ વનગાને પરાજય આપ્યો છે.

જોકે ભાજપ મહારાષ્ટ્રમાં અન્ય સીટ જાળવી શકી નથી. ભંડારા-ગોંદિયા સીટ પર એના ઉમેદવાર હેમંત પટેલનો પરાજય થયો છે. ત્યાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મધુકર કુકડે વિજયી થયા છે. 2014ની ચૂંટણીમાં આ સીટ ભાજપે જીતી હતી. કુકડેએ આ બેઠક 45,000 મતોથી જીતી લીધી છે.

નાગાલેન્ડમાં, ભાજપના મિત્ર પક્ષ અને શાસક પક્ષ નાગાલેન્ડ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીએ લોકસભા બેઠક જીતી લીધી છે. એના ઉમેદવારે નાગા પીપલ્સ ફ્રન્ટ પાર્ટીના ઉમેદવારને 1,73,746 મતોથી પરાજય આપ્યો છે. આ બેઠક 2014ની ચૂંટણીમાં એનપીએફ પાર્ટીએ જીતી હતી.