આ શું બોલ્યા માયાવતી! કેન્દ્રમાં ‘મજબૂત’ નહીં ‘મજબૂર’ સરકાર હોવી જોઈએ

નવી દિલ્હી- ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મહાગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે તેવા પ્રશ્નની ચાલી રહેલી ચર્ચામાં હવે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. માયાવતીએ કહ્યું કે, કેન્દ્રમાં ‘મજબૂત’ નહીં પણ ‘મજબૂર’ સરકાર હોવી જોઈએ.વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષ એક થઈને મોદી સરકારને પરાજીત કરવા પ્લાન બનાવી રહ્યો છે. પરંતુ મહાગઠબંધનનો આ કોયડો રોજ વધુ અટપટો બનતો જાય છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ગઠબંધનના નેતૃત્વમાટે રાહુલ ગાંધીનું નામ સામે આવ્યા બાદ RJD નેતા તેજસ્વી યાદવે અન્ય વિકલ્પો તપાસવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ માયાવતીએ ફરી એક વખત સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેઓ ગઠબંધન એ સ્થિતિમાં જ કરશે જ્યારે તેની પાર્ટીને પુરતી બેઠક ફાળવવામાં આવશે.

દિલ્હીની મુલાકાતે આવેલા માયાવતીએ કેન્દ્રની પૂર્ણ બહુમતીવાળી મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. માયાવતીએ કહ્યું કે, આજે કાંશીરામની આ વાત સાચી સાબિત થઈ રહી છે કે, કેન્દ્રમાં કોઈ મજબૂત નહીં પરંતુ મજબૂર સરકાર હોવી જોઈએ. કારણકે ગઠબંધનની સરકાર વધુ જવાબદારીથી કાર્ય કરે છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક નહીં જીતી શકનારી બસપાનો 2017ની ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ ખરાબ રીતે પરાજય થયો હતો. જોકે બસપા સુપ્રીમો માયાવતી આગીમા ચૂંટણીમાં પોતાની બેઠક મેળવવા મક્કમ જણાઈ રહ્યા છે. માયાવતીએ કહ્યું કે, ‘ગઠબંધન એક જ શરત પર કરવામાં આવશે જ્યારે અમારી પાર્ટીને યોગ્ય બેઠક ફાળવવામાં આવશે’.

વધુમાં માયાવતીએ કહ્યું કે, વર્ષાંતે યોજાનારી છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીઓમાં અમારી પાર્ટી એકલે હાથે ચૂંટણી લડવા સક્ષમ છે. અમે સમર્થન ત્યારે જ કરીશું જ્યારે કોંગ્રેસ અમને સમ્માનજનક બેઠકો ફાળવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]