ભોપાલના સરોવરમાં ગણપતિ વિસર્જન વખતે બોટ ઊંધી વળી જતાં 11નાં મરણ

ભોપાલ – મધ્ય પ્રદેશના આ પાટનગર શહેરના લોઅર લેકમાં આજે વહેલી સવારે ગણપતિ વિસર્જન વખતે એક બોટ ઊંધી વળી જતાં 11 જણનાં મરણ નિપજ્યાં છે.

આ દુર્ઘટના લોઅર લેકમાં ખટલાપુરા મંદિર ઘાટ ખાતે સવારે લગભગ 4.30 વાગ્યે બની હતી.

દુર્ઘટનાની જાણ થતાં મધ્ય પ્રદેશના કાયદાપ્રધાન પી.સી. શર્મા ત્યાં પહોંચી ગયા હતા. એમણે જાણકારી આપી હતી કે બોટમાં 19 જણ સવાર થયા હતા. આઠ જણ બચી ગયા છે. તમામ લોકો ગણેશ પૂજા સમિતિના સભ્યો હતા અને ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા માટે સરોવરમાં ગયા હતા.

ગણપતિની વિરાટ કદની મૂર્તિને નાનકડી બોટમાં મૂકવામાં આવી હતી. વિસર્જન વખતે બોટ સરોવરમાં ઊંધી વળી ગઈ હતી.

જિલ્લા કલેક્ટરે પ્રત્યેક મૃતકના પરિવાર માટે રૂ. 4 લાખની સહાયતાની જાહેરાત કરી છે.

આ ઘટનામાં તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

મૃતકો તથા ઉગારી લેવાયેલા લોકો ભોપાલના પિપલાની વિસ્તારના રહેવાસીઓ છે. તેઓ એક સમારોહ પૂરો થયા બાદ મૂર્તિનું વિસર્જન કરવા માટે સરોવરમાં ગયા હતા. એમણે મૂર્તિને ક્રેનની મદદથી બોટમાં મૂકી હતી. પરંતુ વિસર્જન વખતે બોટનું સંતુલન બગડી જતાં તે ઊંધી વળી ગઈ હતી.

પાંચ જણ તરીને કિનારા પર પહોંચવામાં સફળ થયા હતા.

ડૂબકીમારોએ 11 મૃતદેહ બહાર કાઢ્યા હતા.

મહારાષ્ટ્રમાં જુદા જુદા બનાવોમાં ગણપતિ વિસર્જન વખતે 12નાં મરણ

મહારાષ્ટ્ર રાજ્યમાં ગઈ કાલે ગણપતિ વિસર્જન વખતે બનેલા કરૂણ બનાવોમાં ડૂબી જવાથી 12 જણનાં મરણ નિપજ્યાં છે.

રત્નાગિરી જિલ્લામાં ત્રણ વ્યક્તિનું મરણ થયું છે જ્યારે નાશિક, સિંધુદુર્ગ, સાતારા જિલ્લાઓમાં બે-બે જણ તથા ધુળે, બુલઢાણા, ભંડારા જિલ્લાઓમાં એક-એક વ્યક્તિનો જાન ગયો છે.

આ ઉપરાંત બીજા અડધો ડઝન જેટલા લોકો લાપતા છે. તેઓ ડૂબી ગયા હોવાની આશંકા છે.