નોટબંધી સામે વિરોધઃ ૮ નવેંબરે વિપક્ષ મનાવશે ‘કાળો દિવસ’

નવી દિલ્હી – વિરોધ પક્ષોએ જણાવ્યું છે કે એક વર્ષ પહેલા રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ના મૂલ્યની કરન્સી નોટ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામેના વિરોધમાં તેઓ આવતી ૮ નવેંબરને ‘કાળો દિવસ’ તરીકે મનાવશે.

રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ (કોંગ્રેસ)એ પત્રકારોને જણાવ્યું છે કે વિરોધ પક્ષોએ એક સંયુક્ત વ્યૂહરચના ઘડી કાઢી છે અને તેઓ ૨૦૧૬ની ૮ નવેંબરના નોટબંધી નિર્ણય સામે એમનો વિરોધ દર્શાવશે.

આઝાદે કહ્યું કે, સરકારનો નોટબંધી નિર્ણય ઉતાવળે અને પૂરતી કાળજી લીધા વગર લેવાયો હતો. સમગ્ર વિશ્વમાં અભૂતપૂર્વ કહેવાય એવી વાત છે કે કેન્દ્ર સરકારે એક જ મહિનામાં તેની નીતિને ૧૩૫ વાર બદલી હતી.

આઝાદે કહ્યું હતું કે ગયા વર્ષે નોટબંધી નિર્ણયને અમલમાં મૂક્યા બાદ સરકારે તેના નિયમો બદલ્યે જ રાખ્યા હતા.

આવતી ૮ નવેંબરે કાળો દિવસ મનાવવાનો નિર્ણય ગઈ કાલે અહીં વિરોધ પક્ષોની મળેલી સંકલન સમિતિમાં લેવામાં આવ્યો હતો, જેમાં જનતા દળ (યૂનાઈટેડ)ના બળવાખોર નેતા શરદ યાદવ, સીપીઆઈના સંસદસભ્ય ડી. રાજા, ડીએમકે પાર્ટીના સંસદસભ્ય કનીમોળી, બહુજન સમાજ પાર્ટીના સતિષ મિશ્રા અને તૃણમુલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાયને હાજરી આપી હતી.