લોકસભા ચૂંટણીમાં અચ્છે દિનનું પુનરાવર્તન થઈ શકે છે જો શિવસેના સાથ આપે તો: ભાજપના સર્વેનું તારણ

મુંબઈ – ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં કરાવેલા એક આંતરિક સર્વેક્ષણે એવી આગાહી કરી છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં તે 2014ની જીતનું પુનરાવર્તન કરશે, પરંતુ એનો આધાર શિવસેના સાથે ચૂંટણી-પૂર્વેના જોડાણ પર રહેશે.

પોતાનું નામ જાહેર ન કરવાની શરતે ભાજપના એક સિનિયર પ્રધાને કહ્યું છે કે બંને પાર્ટી જો 2019ની લોકસભા ચૂંટણી સાથે મળીને લડે તો મહારાષ્ટ્રમાં 48માંથી 42 સીટ જીતી શકે છે.

જોકે આ બધું બોલવું સહેલું છે, કારણ કે શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તો વારંવાર કહી ચૂક્યા છે કે એમની પાર્ટી ભાજપ સાથે ચૂંટણીમાં જોડાણ નહીં કરે.

ભાજપના પ્રધાને એવો દાવો કર્યો છે કે જો શિવસેના ચૂંટણી જોડાણ કરવાનો ઈનકાર કરશે તો પણ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે વિજયી થશે, પણ 2014ની સરખામણી આ વખતે એને ઓછી બેઠક મળશે.

સર્વે પરથી તે છતાં એવું માલૂમ પડ્યું છે કે જો ભાજપ સાથેનો સાથ છોડી દેશે તો શિવસેના 4-5થી વધારે સીટ જીતી નહીં શકે.

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના યુતિએ લોકસભાની 48માંથી 40 સીટ જીતી હતી. એમાં ભાજપનો હિસ્સો 22 અને શિવસેનાનો 18 બેઠકોનો હિસ્સો હતો.

કોંગ્રેસને માત્ર બે જ સીટ મળી હતી જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પાંચ સીટ કબજે કરી હતી.

ભાજપના પ્રધાને સર્વે વિશે વધુમાં કહ્યું કે જો શિવસેના સાથ નહીં આપે તો ભાજપ મહારાષ્ટ્રમાં પોતાના બળે 18-20 સીટ જીતશે જ્યારે કોંગ્રેસ-એનસીપીના જોડાણને 22-24 સીટ મળશે.

ભાજપના પ્રમુખ અમિત શાહ તાજેતરમાં મુંબઈની મુલાકાતે આવ્યા હતા ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

શિવસેનાનાં પ્રવક્તા મનીષા કાયંડેને ભાજપના સર્વે વિશે પ્રત્યાઘાત આપવાનું કહેવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે અમારી પાર્ટીને ભાજપના આંતરિક સર્વેક્ષણ સાથે કોઈ લેવાદેવા નથી. અમારા પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે પક્ષનું ભાવિ પગલું નક્કી કરી લીધું છે. સર્વેમાં ભલે એમ આવ્યું કે અમને પાંચ સીટ મળશે, પણ મતગણતરીના દિવસે બધાયને ખબર પડી જશે કે અમે કેટલી સીટ જીત્યા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]