રાજ્યસભા ઉપસભાપતિની ચૂંટણી: એક તીરથી બે શિકાર કરવા મોદી સરકારનો પ્રયાસ

નવી દિલ્હી- રાજ્યસભાના ઉપસભાપતિ પી.જે. કુરિયનનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. હવે આ પદ માટે પોતાનો ઉમેદવાર જીતડવામાં અસમર્થ મોદી સરકાર આ ચૂંટણાના માધ્યમથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના (NDA) નારાજ સાથી પક્ષોને એક કરવા સાધવા કવાયત ઝડપી બનાવી છે.આપને જણાવી દઈએ કે, રાજ્યસભામાં 69 સદસ્યો સાથે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ છે. પરંતુ વર્તમાન સમયમાં તેલુગુ દેશમ પાર્ટીના (TDP) ગઠબંધનથી બહાર થવા અને શિવસેના અને અકાલી દળના અડીયલ વલણને કારણે મોદી સરકાર સામે NDA ગઠબંધન બચાવવું મોટો પડકાર સાબિત થઈ રહ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી રાજ્યસભામાંથી અકાલી દળના નરેશ ગુજરાલને ઉમેદવાર બનાવવા અંગે વિચાર કરી રહી છે. આમ કરવા પાછળ મોદી સરકારની વ્યૂહરચના ‘એક તીરથી બે શિકાર’ કરવા જેવી છે. એક તો નારાજ અકાલી દળને મનાવી શકાય અને બિન એનડીએ પક્ષોને ખાસ કરીને TDPને પોતાના પક્ષમાં લાવી શકાય.

245 બેઠકો ધરાવતી રાજ્યસભામાં પોતાના ઉપસભાપતિ નિયુક્ત કરવા 122 સદસ્યોનું સમર્થન હોવું જરુરી છે. જેમાં 69 સભ્યો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી છે. ઉપરાંત એનડીએના 108 સભ્યોના સમર્થનનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં ભાજપના 69 ઉમેદવાર, AIADMKના 13, JDUના 6 અને શિવસેના તેમજ અકાલી દળના 3-3 સભ્યો ઉપરાંત 6 અપક્ષ અને મનોનીત સદસ્યોનો સમાવેશ થાય છે.