ભાજપ મારો પક્ષ છે અને હું તે છોડવાની નથીઃ પંકજા મુંડેની સ્પષ્ટતા

પરળી (મહારાષ્ટ્ર) – મહારાષ્ટ્ર વિધાનસભાની ગત્ ચૂંટણીમાં હારી ગયેલાં રાજ્યનાં ભૂતપૂર્વ પ્રધાન અને મહારાષ્ટ્ર ભાજપમાં વરિષ્ઠ નેતાઓમાંના એક, પંકજા મુંડેએ તેઓ ભાજપથી નારાજ છે અને રાજીનામું આપવા વિચારી રહ્યાં છે એવી અટકળોનો આજે અહીં જવાબ આપ્યો હતો.

પોતાનાં પિતા સ્વ. ગોપીનાથ મુંડેની જન્મતિથિ નિમિત્તે યોજવામાં આવેલી જાહેર સભામાં પંકજા મુંડેએ પોતે પક્ષમાં બળવો કરવાની તૈયારીમાં છે એવા અહેવાલોના સંદર્ભમાં પોતાનાં કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું કે  હું ભાજપમાં બળવો શા માટે કરું? ચૂંટણીમાં થયેલા પરાજયથી ડરી જાઉં એવી હું નથી.

ઉલ્લેખનીય છે કે પંકજા મુંડે પરળી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યાં હતાં, પણ એમનાં પિતરાઈ ભાઈ ધનંજય મુંડે સામે હારી ગયાં હતાં. ધનંજય રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં વિધાનસભ્ય છે.

પંકજા મુંડેનાં ભાષણનાં મુદ્દાઃ

 • ચૂંટણીમાં પરાજયથી ભાંગી પડું એવી હું નથી, પરાજયને હું બહુ મામુલી બાબત ગણું છું
 • હું બળવો કરવાની છું એવી અફવા કોણે ફેલાવી, મેં મારી પોસ્ટમાં શું લખ્યું હતું એ વાંચો. દેશ પહેલાં, પછી પક્ષ અને તે પછી હું.
 • ભાજપ કંઈ કોઈ એક વ્યક્તિનો પક્ષ નથી
 • ભાજપ મારાં પિતાનો પક્ષ છે અને હું તે છોડવાની નથી
 • મારાં લોહીમાં ગોપીનાથ મુંડેનાં સંસ્કાર છે. અમે બેઈમાની કરતા નથી
 • ગોપીનાથ મુંડેએ જીવનમાં ક્યારેય કોઈને પીઠમાં ખંજર ભોક્યું નહોતું (કોઈની સાથે દગો કર્યો નહોતો)
 • મને કોઈ પણ પદની અપેક્ષા નથી. પદ મેળવવા હું કોઈની પર દબાણ પણ કરતી નથી. માટે જ હું આજે જ મહારાષ્ટ્ર ભાજપની કોર-કમિટીમાંથી રાજીનામું આપું છું.

 • પણ મારે ભાજપમાં રહેવું કે નહીં એનો નિર્ણય કરવાની ભાજપને છૂટ છે
 • શિવસેનાનાં નેતા સંજય રાઉતે તેઓ જે બોલ્યા હતા એ તેમણે કરીને બતાવ્યું છે.
 • કોઈક લોકો તો માત્ર પંકજા મુંડે વિશે ખોટું બોલવા માટે જ જાણે જીવી રહ્યા છે.
 • દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર વચ્ચેના શપથવિશિ વિશે સૂત્રોને કોઈને કેમ સમજાયું નહોતું? ચંદ્રકાંત પાટીલ (મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ)ને પણ કંઈ સમજાયું નહોતું
 • થોડાક દિવસથી મને રાજકારણ વિશેનો મોટો અનુભવ પ્રાપ્ત થયો છે.
 • વાત કરીને મન છૂટું ન કરીએ તો એ વિષ બની જાય.
 • મરાઠવાડામાં દુકાળની પરિસ્થિતિ પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા માટે હું આવતી 27 જાન્યુઆરીએ ઔરંગાબાદમાં એક દિવસ માટે પ્રતિકાત્મક ભૂખહડતાળ કરીશ
 • હું ટૂંક સમયમાં જ ગોપીનાથ મુંડે પ્રતિષ્ઠાનની સ્થાપના કરવાની છું.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]