રાજસ્થાન: BJP છોડ્યા બાદ હવે કોંગ્રેસમાં જોડાશે જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર

નવી દિલ્હી- રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે રાજકીય નેતાઓના એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાવાની ખબર સામે આવી રહી છે. ગતરોજ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડનારા માનવેન્દ્ર સિંહ હવે કોંગ્રેસમાં જોડાશે.અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય પ્રધાન રહેલા જસવંત સિંહના પુત્ર અને ધારાસભ્ય માનવેન્દ્ર સિંહ થોડા દિવસો પહેલાં જ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી ચુક્યા છે. હવે તેમણે રાજસ્થાનમાં BJPની વસુંધરા સરકાર સામે મોરચો ખોલ્યો છે.

માનવેન્દ્ર સિંહે કહ્યું કે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં બાડમેર ચર્ચાનો વિષય રહ્યો હતો અને આ વર્ષે 2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ સૌ કોઈનું ધ્યાન બાડમેર તરફ કેન્દ્રીત છે. વસુંધરા સરકાર પર કટાક્ષ કરતાં માનવેન્દ્ર સિંહે જણાવ્યું કે, બાડમેરમાં આ પહેલા પણ અનેક ગૌરવ યાત્રાઓ અને સંકલ્પ રેલીઓ યોજાઈ ચુકી છે.

બાડમેરના ધારાસભ્ય માનવેન્દ્ર સિંહ રાજ્યના મુખ્યપ્રધાન વસુંધરાની ગૌરવ યાત્રામાં જોડાયા નહતા. એટલું જ નહીં માનવેન્દ્રએ પચપદરામાં પોતાની અલગ સ્વાભિમાન રેલી બોલાવી હતી. ગત લોકસભા ચૂંટણીમાં વસુંધરા રાજેને કારણે તેના પિતા જસવંત સિંહને ટિકિટ મળી શકી નહતી. અને તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. ત્યારથી માનવેન્દ્ર ભાજપથી નારાજ હતા.