ભાજપનાં નેતાઓનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું; મમતા બેનરજી વિરુદ્ધ ફરિયાદ કરી

નવી દિલ્હી – સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન, કેન્દ્રી, પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વી, ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર યાદવ, ભાજપના પશ્ચિમ બંગાળના ઈન-ચાર્જ કૈલાશ વિજયવર્ગીય, કેન્દ્રીય પ્રધાન એસ.એસ. અહલુવાલિયા તથા અન્ય નેતાઓનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આજે ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યું હતું અને તૃણમુલ કોંગ્રેસના શાસનવાળા પશ્ચિમ બંગાળ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં થયેલા બગાડા વિશે એમને વાકેફ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન મમતા બેનરજીની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળ સરકાર તથા કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણ ચાલે છે. એ દરમિયાન ભાજપનાં સભ્યો આજે ચૂંટણી પંચને મળાયં હતાં અને બંગાળ વિશે એમને ફરિયાદ કરી હતી.

ભાજપના નેતાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે મમતા બેનરજીની સરકાર બંગાળમાં ભાજપના નેતાઓની ચૂંટણી રેલીઓને ઈરાદાપૂર્વક અટકાવે છે.

બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં, નક્વીએ કહ્યું હતું કે ભાજપનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આજે ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યું હતું. બેઠક દરમિયાન અમે ચૂંટણી પંચના અધિકારીઓ સમક્ષ માગણી કરી હતી કે પશ્ચિમ બંગાળ રાજ્યની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે અને ચૂંટણી પંચ એનું વિસ્તૃત રીતે અવલોકન કરે. અમે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે બંગાળની સરકારના જે અધિકારીઓ બંગાળની સરકારના એજન્ટ્સ તરીકે કામ કરે છે એમને ચૂંટણી પંચ હટાવી દે અને રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા મુક્ત વાતાવરણમાં અને ન્યાયી રીતે યોજાય એ માટે ત્યાં કેન્દ્રીય સુરક્ષા દળોને તહેનાત કરે.

નક્વીએ વધુમાં કહ્યું કે, અમે ચૂંટણી પંચના અધિકારીઓને કહ્યું કે બંગાળમાં અત્યંત ભયજનક પરિસ્થિતિ છે, કારણ કે ત્યાં કેન્દ્ર સરકારના અધિકારીઓને ધમકાવવામાં આવે છે, એમને અટકાયતમાં લેવામાં આવે છે.