BJPનું ‘સ્કોરકાર્ડ’: 2014 લોકસભા પછી પેટાચૂંટણીમાં એકપણ બેઠક નથી જીતી શકી પાર્ટી

નવી દિલ્હી- કૈરાના અને ભંડારા-ગોંદીયા પેટાચૂંટણીમાં ભાજપ માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. જો કે, મહારાષ્ટ્રમાં પાલઘર બેઠકની જીતથી પાર્ટીને થોડી રાહત થઈ હશે. આ પહેલા રાજસ્થાનમાં અજમેર, અલવર, ઉત્તરપ્રદેશમાં ગોરખપુર અને ફૂલપુર પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. આંકડાકીય માહિતી પર નજર નાખીએ તો ખ્યાલ આવશે કે, 2014ની લોકસભા ચૂંટણી પછી ભાજપે એક પણ લોકસભા બેઠક જીતી નથી, જ્યારે કૈરાના અને ભંડારા-ગોંદિયા સહિત 8 બેઠકો ગુમાવી ચુકી છે.હકીકતમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની પેટીચૂંટણીમાં પાલઘર સહિતની જેટલી પણ બેઠકો પર જીત મેળવી છે, તે બેઠક અગાઉ પણ ભાજપ પાસે જ હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે જે બેઠક જીતી હતી ફક્ત તેને જ પેટાચૂંટણીમાં બચાવી હતી. આ બેઠકોમાં મહારાષ્ટ્રની બીડ, ગુજરાતમાં વડોદરા, મધ્યપ્રદેશમાં શહડોલ, આસામની લખીમપુર અને હવે પાલઘરનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર ભાજપે 2014માં જીત મેળવી હતી અને હવે પેટાચૂંટણીમાં પણ જીત મેળવી છે.

ઉલ્લેખનીય છે કે, કૈરાના, ભંડારા-ગોંદિયા ઉપરાંત મધ્યપ્રદેશની રતલામ, પંજાબની ગુરદાસપુર, રાજસ્થાનની અલવર અને અજમેર, ઉત્તરપ્રદેશની ગોરખપુર અને ફૂલપુર સહિત કુલ આઠ બેઠકો છે, જેને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે જીતી હતી. પરંતુ પેટા ચૂંટણીમાં ભાજપને ઉપરોક્ત તમામ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપ સાથેના જોડાણની અસર PDP ઉપર પણ જોવા મળી અને તેને શ્રીનગરમાં નેશનલ કોન્ફરન્સના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.