આધાર કાર્ડની ઉપયોગિતા, પરિવારથી અલગ થયેલા 9 બાળકો પરત પહોંચ્યા

બિહાર- પાસપોર્ટ હોય કે ડ્રાઇવિંગ લાયસન્સ, મોબાઇલનું સીમ લોવાનું હોય કે કોલેજમા એડમિશન. દરેક વિભાગમાં આધાર કાર્ડ જરૂરી છે. દેશના દરેક નાગરિક માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. પરંતુ તેની ઉપયોગિતા અહીં સમાપ્ત થતી નથી. ઘરેથી ભૂલા પડેલા બાળકોને તેમના પરિજનો સુધી પહોંચાડવા માટે પણ આધાર કાર્ડ ‘આધાર’નું કામ કરી રહ્યું છે.બિહારના છપરામાં આવી જ ઘટના જોવા મળી. છાપરાના બાલગૃહમાં રહેતા નવ બાળકોને આધાર કાર્ડની મદદથી તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. આ તમામ બાળકો દેશના અન્ય ભાગમાંથી ભૂલા પડીને છપરા પહોંચી ગયા હતા. અને અહીના બાળગૃહમાં રહેતા હતા. જેમાંના કેટલાક બાળકો તો અઢી વર્ષથી પણ વધુ સમયથી અહીં રહેતા હતા.

મહત્વનું છે કે, બાળગૃહમાં રહેતા દરેક બાળકનું પ્રશાસન દ્વારા આધાર કાર્ડ બનાવવામાં આવે છે. જ્યારે આ બાળકોનું આધાર કાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યું હતું ત્યારે ખબર પડી કે, તેમનું આધાર કાર્ડ તો પહેલેથી જ બનાવવામાં આવેલું છે. બાળગૃહના સત્તાધિશોએ બાળકોના આધાર કાર્ડની વિગતોને આધારે તેમના પરિવારનો સંપર્ક કર્યો અને બાળકોને ઘરે પહોંચાડવામાં આવ્યા.

બિહાર છપરાના સમાજ કલ્યાણ વિભાગના નિર્દેશક રાજ કુમારે જણાવ્યું કે, આ બાળકોને તેમના પરિવારજનો સાથે ફરી મુલાકાત થતાં એ સ્પષ્ટ થયું છે કે, આધાર કાર્ડ આપણા જીવનમાં સરકારી યોજનાઓના લાભ લેવા ઉપરાંત પણ ઘણું મહત્વનું છે.