બિહાર પેટાચૂંટણી પહેલાં સામે આવ્યાં કોંગ્રેસ-RJDના આંતરિક મતભેદ

પટણા- બિહારમાં યોજાનારી પેટાચૂંટણી પહેલાં મહાગઠબંધનની પાર્ટીઓનો આંતરિક મતભેદ સામે આવ્યો છે. ખાસ કરીને ભભુઆ બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને RJD અને કોંગ્રેસ વચ્ચે મતભેદ જોવા મળ્યો છે.RJDએ પહેલા જ જાહેરાત કરી દીધી છે કે, તે ત્રણ બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવાર મેદાને ઉતારશે. જેમાં કોંગ્રેસ પાર્ટીને અરરિયા લોકસભા અને જહાનાબાદ વિધાનસભા બેઠક માટે વિશેષ વાંધો નથી પણ ભભુઆ બેઠક કોંગ્રેસ કોઈ પણ કીમતે જતી કરવા ઈચ્છતી નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સદાનંદ સિંહે જણાવ્યું કે, ગત ચૂંટણીમાં ભભુઆ બેઠક પર RJD અથવા કોંગ્રેસ પાર્ટી બન્નેમાંથી કોઈના ઉમેદવાર ઉભા નહતા. જેથી આ વખતે ત્યાંની રાજકીય સ્થિતિ જોતાં આ બેઠક કોંગ્રેસના ફાળે જવી જોઈએ કારણકે અહીંથી કોંગ્રેસ પહેલાં સાત વખત જીતી ચૂકી છે. જ્યારે RJD ફક્ત બેવાર અહીંથી જીતી છે. સામાજીક સમીકરણ જોઈએ તો આ બેઠક કોંગ્રેસ પાર્ટી માટે યોગ્ય છે, જેથી આ બેઠક કોંગ્રેસને જ મળવી જોઈએ એમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સદાનંદ સિંહનું માનવું છે.

જોકે RJDએ ત્રણેય બેઠક માટે પોતાના ઉમેદવાર નક્કી કરી લીધા છે. RJDના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાબડી દેવીએ પાર્ટી સંસદીય દળ બોર્ડની બેઠકમાં કહ્યું કે, અમે તમામ ત્રણ બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ તરફથી આ અંગે અમારી સાથે કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી. હવે પ્રશ્ન એ થાય છે કે, મહાગઠબંધનની પાર્ટીઓ વચ્ચે કોઈ ચર્ચા કરાઈ જ નથી તો RJDએ ત્રણેય બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારવાનો એકતરફી નિર્ણય કેવી કર્યો?

બીજી તરફ કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે, જો આ વખતે ભભુઆ બેઠક પરથી ચૂંટણી નહીં લડે તો તેનું પરિણામ પાર્ટીને આગામી લાકસભા ચૂંટણીમાં પણ ભોગવવું પડી શકે છે. જેથી પાર્ટીએ પોતાના વલણમાં કડકાઈ લાવીને જણાવ્યું કે, જો તેને ભભુઆ બેઠક નહીં ફાળવવામાં આવે તો કોંગ્રેસ ત્રણેય બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]