દલિતોનું ‘ભારત બંધ’ આંદોલન 7 રાજ્યોમાં હિંસક બન્યું: 9નાં મરણ

ભોપાલ (મધ્ય પ્રદેશ) – અનુસૂચિત જાતિ તથા જનજાતિઓ (SC/ST)નાં લોકો પર અત્યાચાર રોકવા માટે ઘડવામાં આવેલા (એટ્રોસિટી) એક્ટમાં ફેરફાર કરવા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં આજે દલિત સંગઠનોએ કરેલા ‘ભારત બંધ’ એલાને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. દેખાવકારો અને પોલીસ જવાનો વચ્ચેની અથડામણ સંબંધિત ઘટનાઓમાં મધ્ય પ્રદેશમાં 6 જણનાં મરણ નિપજ્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં બે તથા રાજસ્થાનમાં એક જણનું મરણ નિપજ્યું છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયર, ભિંડ તથા મોરેના શહેરોમાં મરણ નોંધાયા છે.

સાત રાજ્યોમાં હિંસાની ઘટનાઓ થઈ છે. એમાંય ભાજપશાસિત ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પરિસ્થિતિ વધારે ખરાબ છે. ત્રણ રાજ્યોએ કાયદો અને વ્યવસ્થાને અંકુશમાં રાખવા માટે કેન્દ્રીય સુરક્ષા દળો મોકલવાની કેન્દ્ર સરકારને માગણી કરી છે. કેન્દ્ર સરકારે બે રાજ્યમાં RAFના 800 જવાનોને મોકલ્યા છે.

બંધ દરમિયાન થયેલી હિંસાખોરીમાં અનેક પોલીસ અધિકારીઓ/જવાનો ઘાયલ થયા છે.

મોરેના શહેરમાં, દેખાવકારો અને પોલીસ જવાનો વચ્ચે અથડામણ ચાલુ હતી એ દરમિયાન એક ગોળી છોડવામાં આવી હતી. રાહુલ પાઠક નામનો એક નાગરિક એના ઘરની બાલ્કનીમાં ઊભો હતો, એ ગોળી એને વાગી હતી. એને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ એણે અંતિમ શ્વાસ લીધો હતો.

ભીંડ શહેરમાં મહાવીર રાજાવત નામનો એક નાગરિક ગોળી વાગવાથી માર્યો ગયો હતો.

ગ્વાલિયરમાં એક વ્યક્તિને અથડામણ દરમિયાન ગોળી મારવામાં આવી હતી. એક માણસ પિસ્તોલમાંથી ગોળી છોડતો હતો ત્યારે એને વીડિયોટેપમાં કેદ કરી લેવામાં આવ્યો હતો, પરંતુ એણે છોડેલી ગોળીથી જ પેલા માણસનું મૃત્યુ થયું હતું એને હજી સમર્થન મળ્યું નથી.

મધ્ય પ્રદેશમાં માર્યા ગયેલા પાંચ જણના નામ છેઃ રાકેશ જાતવ (45, ગ્વાલિયર), દીપક સિંહ (26, ગ્વાલિયર), મહાવીર રાજાવત (35, ભિંડ), આકાશ મેહગાંવ (ભિંડ) અને રાહુલ પાઠક (25, મોરેના).

મોરેના અને ગ્વાલિયર શહેરોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.

રાજસ્થાનના અલવરમાં દેખાવકારોને વિખેરવા પોલીસે કરેલા ગોળીબારમાં એક યુવકનું મરણ નિપજ્યું હતું. એને પગલે દેખાવકારો હિંસક બન્યા હતા.

હિંસાગ્રસ્ત શહેરોમાં ઈન્ટરનેટ તેમજ એસએમએસ સેવાઓ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર અને મેરઠ જિલ્લામાં એક-એક દેખાવકારનું મરણ નિપજ્યું છે.

ઉત્તર પ્રદેશના આગરામાં દેખાવકારોએ મોટરકારો પર પથ્થરમારો કર્યો હતો તો મેરઠમાં જાહેર બસોને આગ ચાંપવામાં આવી હતી, હાપુડમાં દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આગરામાં તમામ શાળાઓમાં ધોરણ 1થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે.

ઉત્તરાખંડમાં પણ દેખાવકારોએ દુકાનદારોને દુકાનો બંધ કરવાની ફરજ પાડી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]