તપાસ સમિતિનો અહેવાલ: તોડી પાડવામાં આવશે કોલકાતાનો માજેરહાટ પુલ

કોલકાતા- ગત સપ્તાહે કોલકાતાના ડાયમંડ હાર્બર રોડ પર માજેરહાટ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાની ઝપટમાં અનેક લોકો અવી ગયા હતા. દુર્ઘટના બાદ રાજ્ય સરકારને ટીકાઓનો સતત સામનો કરવો પડ્યો છે. હવે આ પુલને સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની જગ્યાએ નવા પુલનું નિર્માણ કરવામાં આવશે.અકસ્માત બાદ રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરી હતી. ત્યારે સીએમ મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ‘પુલ કેમ ધરાશાયી થયો તેના કારણો જાણવા માટે મુખ્ય સચિવ મલય ડેની આગેવાની હેઠળની એક સમિતિ તપાસ કરશે. અને જે લોકોની બેદરકારીને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. દોષિતો છોડવામાં નહીં આવે.

મહત્વનું છે કે, તપાસ સમિતિનો પ્રારંભિક અહેવાલ સામે આવ્યા બાદ રાજ્ય સરકારે આ પુલને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. અને તેની જગ્યાએ આગામી એક વર્ષમાં નવા પુલનું નિર્માણ કરવામાં આવશે.

વધુમાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કહ્યું કે, લોક નિર્માણ વિભાગ (PWD) તેની જવાબદારીમાંથી બચી શકે નહીં. જોકે મેટ્રોનું નિર્માણ કામ આનાથી પ્રભાવિત થઈ શકે છે. મમતા બેનરજીએ કહ્યું કે, દોષિતો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગત 4 સપ્ટેમ્બરે થયેલી પુલ દુર્ઘટના બાદ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરુ થયો હતો. દુર્ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ રુપા ગાંગુલીએ પુલ દુર્ઘટના માટે રાજ્ય પ્રશાસનની બેદરકારીને જવાબદાર ગણાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]