મોબાઈલ ચાર્જ કરવામાં તકેદારી રાખો; નુકસાન ટાળો

નવી દિલ્હીઃ આજકાલ મોબાઇલ ફોન લક્ઝરી નથી રહ્યા, પણ જરૂરિયાત બની ગયા છે. બાળકથી માંડીને વૃદ્ધો સૌકોઈ માટે સ્માર્ટફોન વગર નથી રહી શકતા, તેમ છતાં લોકો આ કીમતી મોબાઇલનું સારી રીતે ધ્યાન નથી રાખતા. સૌથી વધુ મોબાઇલ લોકો ફોનને ચાર્જ કરવામાં લાપરવા રહે છે. કેટલીક વાર આપણે છેલ્લી ઘડીએ ફોનને ચાર્જ કરવા મૂકીએ છીએ, જ્યારે બેટરી 10 ટકા બચી હોય. ખાસ કરીને યુવા વર્ગ ફોન ચાર્જ કરતી વખતે પણ મોબાઇલનો યુઝ કરે છે. આજે અમે એ ભૂલો વિશે જણાવીએ છીએ, જે વારંવાર લોકો ફોન ચાર્જ કરતી વખતે કરે છે.  

 

મોટા ભાગના લોકો મોબાઇલ કવર સાથે ફોન ચાર્જિંગમાં મૂકે છે. આવું નહીં કરવું જોઈએ, કેમ કે એનાથી ફોનની બેટરી પર દબાણ પડે છે અને ખરાબ થવાની સંભાવના વધે છે. ચાર્જ કરતી વખતે ફોનનું કવર હટાવીને ચાર્જ કરવો જોઈએ, એનાથી ડિસ્પ્લે અને બેટરીને નુકસાન નહીં થાય. કેટલીક વાર લોકો મોબાઇલ અન્ય ચાર્જરથી ચાર્જ કરે છે. એનાથી બેટરી ખરાબ થવાની સંભાવના છે.

સ્માર્ટફોનના નિષ્ણાતોનું માનવું છે કે ફોનને વારંવાર ચાર્જ કરવાથી બેટરી પર દબાણ પડે છે. જ્યારે ફોનની બેટરી 20 ટકા અથવા ઓછી હોય, ત્યારે એને ચાર્જ કરવો જોઈએ. એનાથી બેટરી પર દબાણ નહીં પડે અને બેટરી જલદી ખરાબ નહીં થાય.

કેટલીક વાર લોકો મોબાઇલ જલદી ચાર્જ કરવા માટે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરે છે, પણ એ એપ સતત એક્ટિવ રહેવાથી બેટરી વધુ ખર્ચ થાય છે અને ડેટા લીક ઝવાનું જોખમ છે, એટલે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ ના કરો.