ભારત-બાંગ્લાદેશ વચ્ચે સાત કરાર થયા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વચ્ચે આજે ઓનલાઈન શિખર મંત્રણા યોજાઈ હતી. મોદીએ ભારતની પડોશ પ્રથમ નીતિમાં બાંગ્લાદેશને મુખ્ય સ્તંભ તરીકે ઓળખાવ્યું છે અને કહ્યું કે બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધોને વધારે મજબૂત બનાવવા એ તેમની પ્રાથમિકતા રહી છે. મોદીએ એમ પણ કહ્યું કે કોરોના વાઈરસના કઠિન સમયમાં બંને દેશ વચ્ચે સરસ સહયોગ બની રહ્યો છે.

બંને દેશે આજે હાઈડ્રોકાર્બન, કૃષિ, કાપડ તથા સામુદાયિક વિકાસ જેવા વિવિક્ષ ક્ષેત્રોમાં સાત કરાર પર હસ્તાક્ષર કર્યા. સાથોસાથ, સરહદ પર ચિલાહાટી-હલ્દીબાડી વચ્ચે રેલવે લાઈનને પણ ફરી શરૂ કરી છે, જે 1965 પછી બંધ થઈ ગઈ હતી. આ રેલવે લાઈન 55 વર્ષ પછી ફરી શરૂ થતાં આસામ અને પશ્ચિમ બંગાળ સાથે બાંગ્લાદેશનો સંપર્ક વધશે. આ રેલવે લાઈન કોલકાતાથી સિલીગુડી વચ્ચે 1965 સુધી મુખ્ય બ્રોડવેજ લાઈનનો એક હિસ્સો હતી. ચિલાહાટી બાંગ્લાદેશનું રેલવે સ્ટેશન છે જ્યારે હલ્દીબારી પશ્ચિમ બંગાળમાં આવેલું છે. મોદી અને હસીનાએ સાથે મળીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રેહમાન વિશેના એક ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન પણ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]