સ્નાઈપર એટેક અંગે આર્મી ચીફ બિપિન રાવતનું નિવેદન…

શ્રીનગર- કશ્મીર ઘાટીમાં ભારતીય સુરક્ષાકર્મીઓ પર કરવામાં આવી રહેલા સ્નાઈપર એટેકની ઘટનાઓ વધી રહી છે. સ્નાઇપર એટલે કે, એવા બંદૂકધારી નિશાનેબાજ જે ગુપ્ત જગ્યાએ છુપાઈને હુમલો કરે છે.આ મામલે આર્મી ચીફ બિપિન રાવતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. જોકે સૈનિકો પર થઈ રહેલા કથિત સ્નાઇપર્સ એટેકમાં હજુ સુધી કોઈ હથિયાર જપ્ત કરવામાં આવ્યું નથી.

વધુમાં આર્મી ચીફે જણાવ્યું કે, જમ્મુ કશ્મીરમાં આપણા જવાનો સાથે દુર્ઘટનાઓ વધી રહી છે. જેમાં સ્નાઇપર એટેકની સંડોવણી છે કે નહીં તે અંગેની તપાસ ચાલી રહી છે.

મહત્વનું છે કે, ભારતીય સેના સ્નાઇપર એટેકના રુપમાં એક નવી જ મુશ્કેલીનો સામનો કરી રહી છે. છેલ્લા એક મહિના દરમિયન સેનાના ત્રણ જવાન સ્નાઇપર એટેકમાં શહીદ થઈ ચૂક્યા છે.