આ વર્ષના અંતમાં લોકસભા ચૂંટણી કરાવી શકે છે મોદી સરકાર

નવી દિલ્હી- શું મોદી સરકાર આ વર્ષના અંતમાં લોકસભા ચૂંટણી કરાવશે? રાજ્ય અને કેન્દ્રની એક સાથે ચૂંટણી કરવાની જે વાત વડાપ્રધાને કરી હતી તેને આ વર્ષના અંતમાં લાગુ કરે તેમ રાજકીય પંડિતોનું માનવું છે. બજેટ સત્રની શરુઆતમાં રાષ્ટ્રપતિના અભિભાષણ અને કેન્દ્ર સરકાર દ્વારા મળી રહેલા સંકેતોને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ડિકોડ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે, જો આમ થશે તો કોઈ આશ્ચર્ય નહીં થાય.બજેટ સત્ર પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્ર સરકારની ગત ચાર વર્ષોની ઉપલબ્ધિ સંસદ સમક્ષ રજૂ કરી હતી. જેમાં એક સાથે ચૂંટણી કરવાની પીએમ મોદીની વાત પણ રાષ્ટ્રપતિએ દોહરાવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે રાજ્ય અને કેન્દ્રની એક સાથે ચૂંટણી કરાવવાની પીએમ મોદીની વાતનું સમર્થન કરતાં જણાવ્યું કે, દેશમાં સમયાંતરે આવતી ચૂંટણીઓને કારણે વિકાસકાર્યો અવરોધાય છે.

મહત્વનું છે કે, વર્ષ 2004માં તત્કાલિન પીએમ અટલબિહારી વાજપેયીએ સમય પહેલાં લોકસભાની ચૂંટણી કરાવી હતી. જેમાં NDAને પરાજયનો સામને કરવો પડ્યો હતો. અને કોંગ્રેસ સત્તામાં પરત ફરી હતી. હવે ફરી એકવાર પીએમ મોદી ‘અટલ રાહ’ પર ચાલી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. અને જલદી ચૂંટણી કરાવવાનો મૂડ બનાવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી ગત કેટલાક સમયથી કેન્દ્ર અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાની વાત કરતી આવી છે. ખુદ પીએમ મોદી પણ ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં આ વાતની જોરદાર ભલામણ કરતાં રહ્યાં છે.

પીએમ મોદીએ તર્ક રજૂ કરતાં જણાવ્યું કે, ભારત જેવા વિશાળ દેશમાં સતત કોઈને કોઈ પ્રદેશમાં ચૂંટણીઓ ચાલતી રહે છે અને આચાર સંહિતાનો અમલ હોય છે. જેના કારણે વિકાસકાર્યો અવરોધાયા કરે છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યોની અલગ-અલગ ચૂંટણી થવાને કારણે સંસાધનોનો પણ વ્યય થયા કરે છે. જેથી એક સાથે ચૂંટણી કરવાથી સમય, શક્તિ અને નાણાનો વ્યય અટકાવી શકાય છે.

‘મોદી વિરોધી’ માહોલ બનાવવા સમય નહીં

કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીને જલદી કરાવવાના પક્ષમાં નથી. કોંગ્રેસનું માનવું છે કે, લોકસભા ચૂંટણી જેટલી મોડી થશે તેટલો તેને દેશમાં મોદી વિરોધી માહોલ બનાવવાનો સમય મળશે. અને તેનો રાજકીય લાભ મળી શકશે. જેથી કોંગ્રેસ પાર્ટી રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને કેન્દ્રની લોકસભાની ચૂંટણી સાથે નહીં યોજવાના પક્ષમાં છે.