વિરોધ પ્રદર્શનમાં ઘટાડો થયો હોવાનો આસામના પોલીસ વડાનો દાવો

ગુવાહાટીઃ આસામના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) જ્યોતિ મહંતે કહ્યું છે કે રાજ્યમાં નાગરિકતા બિલ વિરુદ્ધ શરૂ થયેલા હિંસક વિરોધ પ્રદર્શન ઘણા ખરા શાંત થઈ ગયા છે. સ્થિતિ નિયંત્રણ બહાર ન જતી રહે તેની પોલીસ સતત નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે અમે શાંતિના રસ્તા પર અગ્રેસર છીએ. આજે એક સારો દિવસ છે પરંતુ અમે ચોક્કસ ધ્યાન રાખીશું કે કોઈપણ ઘટના ન ઘટે. અમારી પાસે અમારા પોતાના કર્તવ્યો છે, અને અમારી ટીમો અથાગ પ્રયત્ન કરી રહી છે. પરંતુ આ મુશ્કેલીભર્યો સમય છે, પરંતુ અમે આના પર કામ કરી રહ્યા છીએ.

મહંતે કહ્યું કે, આજે અમે સ્થિતિ પર કડક વલણ રાખવાની વિરુદ્ધ નિર્ણય લીધો છે. લોકોને બહાર જવા અને જીવન જરુરી સામાન ખરીદવાની મંજૂરી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, સ્થિતિ સામાન્ય થતા જ ઈન્ટરનેટ ચાલુ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અસમના ગુવાહાટીમાં ગુરુવારના રોજ મોટા પ્રમાણમાં હિંસા થઈ હતી. આ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા હતા. આ સાથે જ એક હજારથી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.