જોધપુર જેલમાં બંધ આસારામે રાજ્યપાલને કરી દયા અરજી, સજા ઓછી કરવા માગ

જોધપુર- રાજસ્થાનના જોધપુરની જેલમાં દુષ્કર્મની સજા ભોગવી રહેલા આસારામ બાપુએ પોતાની સજા ઓછી કરવા રાજ્યપાલને દયા અરજી કરી છે. આપને જણાવી દઈએ કે, સગીર યુવતી સાથે દુષ્કર્મના આરોપમાં આસારામ જેલની સજા ભોગવી રહ્યાં છે. 25 એપ્રિલે જોધપુર કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.પોતાની સજાને પડકારતા આસારામે 2 જુલાઈના રોજ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જોકે હાલમાં તેમની અરજી પર સુનાવણી કરવામાં આવી નથી. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહને આસારામ તરફથી જે દયા અરજી કરવામાં આવી છે તેને રાજ્યપલે ગૃહ વિભાગને મોકલી આપી છે અને વિગતવાર રિપોર્ટ મગાવ્યો છે.

રાજ્યપાલ કલ્યાણસિંહને કરેલી પોતાની દયા અરજીમાં આસારામે આજીવન કારાવાસને કઠોર દંડ ગણાવ્યો છે અને તેની સજા ઓછી કરવા માગ કરી છે. સાથે જ પોતાની અરજીમાં આસારામે તેની વધતી ઉંમરને ધ્યાનમાં રાખવા પણ જણાવ્યું છે.

આપને જણાવી દઈએ કે, 16 વર્ષની પીડિતાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આસારામે તેણીને 5 ઓગસ્ટ 2013ન રોજ જોધપુરના મનઈ વિસ્તારના પોતાના આશ્રમમાં બોલાવી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતા આસારામના મધ્યપ્રદેશના છિંદવાડા સ્થિત આશ્રમમાં રહીને અભ્યાસ કરતી હતી.