બાલાકોટ એરસ્ટ્રાઈકને લઈને ઈટાલિયન પત્રકારે કર્યો મોટો ઘટસ્ફોટ, 170…

નવી દિલ્હી- પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના પુરવાના લઈને દેશમાં રાજકારણ ચાલી રહ્યું છે. એવામાં ઈટાલીના એક પત્રકારે મોટો ઘટસ્ફોટ કર્યો છે. ઈટાલીના પત્રકાર ફ્રેંસેસા મેરિનો એ STRINGERASIA.IT વેબસાઈટ પર આ ઘટનાની સંપૂર્ણ જાણકારી આપીને દેશદુનિયાના લોકોને ચોંકાવી દીધા છે. મેરિનોએ તેમના અહેવાલમાં લખ્યું છે કે, ભારતીય વાયુ સેનાએ રાત્રે 3:30 વાગ્યે હુમલો કર્યો. મારી જાણકારી મુજબ શિંકયારી આર્મી કેમ્પ પરથી સેનાની એક ટુકડી ઘટનાસ્થળ પર પહોંચી હતી.

મેરોનોએ વધુમાં લખ્યું છે કે, સેનાની એક ટુકડીએ હુમલાના દિવસે સવારે 6 વાગ્યે ઘટનાસ્થળ પર પહોંચી હતી. શિંકયારી બાલાકોટથી 20 કિલોમીટરના અંતરે છે, અહીં પાકિસ્તાન આર્મીનો બેઝ કેમ્પ પણ આવેલો છે. આ જગ્યા પર પાકિસ્તાની સેનાની જૂનિયર લીડર્સ એકેડમી પણ છે. આર્મીની ટુકડી બાલાકોટ પહોંચતાની સાથે અહીં પર કેટલાક ઘાયલ લોકોને પાકિસ્તાન આર્મીની હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આર્મી કેમ્પની હોસ્પિટલમાં હજુ પણ અંદાજે 45 લોકોની સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન 20 લોકોના મોત થઈ ચૂક્યા છે.

ઈટાલિયન પત્રકારે કહ્યું કે, સારવાર પછી જે લોકો સ્વસ્થ થઈ ગયા તેમને પાકિસ્તાન આર્મીએ તેમની કસ્ટડીમાં રાખ્યા છે, અને આ લોકોને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ નથી કરાવવામાં આવ્યાં. ઘણા સપ્તાહો દરમિયાન તપાસ હાથ ધરી અને તેમના સોર્સના માધ્યમથી મે જે પણ જાણકારી મેળવી છે, તેના પરથી કહી શકાય છે, હુમલામાં જેશ-એ-મોહમ્મદના ઘણા કેડરો માર્યા ગયા છે. મૃતકોની સંખ્યા 130-170 સુધી હોય શકે છે. આ આંકડામાં એ લોકોનો પણ સમાવેશ થાય છે, જેના મોત સારવાર દરમિયાન થયાં છે.

ઈટાલિયન પત્રકાર મેરિનોએ વધુમાં કહ્યું કે, જે કેડર(આતંકી) માર્યા ગયા છે તેમાં 11 ટ્રેનરનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં કેટલાક બોમ્બ બનાવનાર અને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપનાર લોકો પણ હતો. જે પરિવારના લોકોના આ હુમલામાં મોત થયાં તેમના તરફથી કોઈ જાણકારી બહાર લીક ન થાય તે માટે પણ જેશ-એ-મોહમ્મદે સંપૂર્ણ બંદોબસ્ત કર્યો. એટલું જ નહીં જેશના આતંકીઓએ મૃતકોના ઘરે જઈને તેમના પરિવારજનોએ વળતર પણ આપ્યું હતું.

મહત્વનું છે કે, પાકિસ્તાનના બાલાકોટ સ્થિત ખેબર પખ્તૂનખ્વા વિસ્તારમાં જેશ-એ-મોહમ્મદના સૌથી મોટા આંતકી કેમ્પ પર ભારતીય વાયુસેનાએ જે હુમલો કર્યો હતો તે હુમલાની યોજના બનાવવામાં 200 કલાકથી પણ વધુનો સમય લાગ્યો હતો. ભારતના કોઈ પણ સ્થળે બીજા આત્મઘાતી હુમલા સંબંધિત ગુપ્ત માહિતી મળ્યા પછી આ હુમલાની યોજના શરૂ થઈ હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ અને કશ્મીરના પુલવામા માં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આત્મઘાતી હુમલાના બે દિવસ પછી સરકારને ગુપ્ત જાણકારી મળી હતી. ગુપ્ત માહિતીમાં ભારતના અન્ય કોઈ વિસ્તારમાં પણ આત્મઘાતી હુમલા અંગે ચેતવણી આપવામાં આવી હતી, જેને પુલવામાની તુલનામાં વધુ ભંયકર હોવાની વાત કહેવામાં આવી હતી. જેશના આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે જાણકારી મળ્યા બાદ તરત જ સરકારના મુખ્ય અધિકારીઓ સંબંધિત પ્રધાન, સેના, નૌકાદળ, અને વાયુસેનાના પ્રમુખો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે બેઠક મળી હતી.