કેજરીવાલ સરકારને ફરી વખત સત્તા અપાવી શકશે પ્રશાંત કિશોર?

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાવો પકડી રહ્યો છે. આમ આદમી પાર્ટી લોકો વચ્ચે જઈને પોતાના કામને આધારે વોટ માગવાની વાત કરી રહી છે. આમ આદમી પાર્ટીએ હવે દેશના જાણીતા રાજકીય રણનીતિકાર અને જનતા દળ યુનાઈટેડ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર સાથે હાથ મિલાવી લીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. તેમણે લખ્યું કે, ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) અમારી સાથે આવી રહી છે. અમે તેનું સ્વાગત કરીએ છીએ.

 

મહત્વનું છે કે, I-PAC પ્રશાંત કિશોરની એજન્સી છે જે, ઔપચારિક રીતે રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર કરે છે. એટલે કે, હવે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર આમ આદમી પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરશે. અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. મહત્વનું છે કે, જનતા દળ યુનાઈટેડ દ્વારા જાહેરમાં નાગરિકતા બિલને સમર્થન બાદ પ્રશાંત કિશોર પોતાની જ પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે, પ્રશાંત કિશોર જનતા દળ યુનાઈટેડમાં કેટલો સમય રહે છે.

ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોરે 2014માં નરેન્દ્ર મોદી માટે ચૂંટણી પ્રચાર કર્યો અને નરેન્દ્ર મોદી પૂર્ણ બહુમત સાથે દેશના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ કિશોરે 2015માં નીતિશ કુમાર માટે ચૂંટણી પ્રચાર કર્યો તો નીતિશ મહાગઠબંધનમાં ભારે બહુમત સાથે મુખ્યમંત્રી બન્યા. 2017માં પંજાબ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો તો કેપ્ટન અમરિન્દર સિંહ લગભગ બે તૃતીયાંશ બહુમત સાથે મુખ્યંત્રી બન્યા. એટલું જ નહીં 2019માં આંધ્ર પ્રદેશમાં જગનમોહન રેડ્ડી માટે કામ કર્યું તો પ્રચંડ બહુમત સાથે રેડ્ડી પણ મુખ્યમંત્રી બન્યા. પ્રશાંત કિશોરે 2017માં ઉત્તર પ્રદેશ કોંગ્રેસ માટે પણ પ્રચાર કર્યો હતો પણ પાછળથી કોંગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવી લીધો જેના પરિણામ સ્વરૂપે કોંગ્રેસને તેના ઈતિહાસની સૌથી મોટી હારનો સામનો કરવો પડયો. યુપીને બાદ કરતા કિશોરે જે પક્ષ માટે કામ કર્યું ત્યાં તેની સરકાર બની. અત્યારે તેઓ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સાથે પણ કામ કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]