દિલ્હીને પ્રદૂષણથી રાહત અપાવવામાં અડચણ બન્યું ચંદ્રયાન-2

નવી દિલ્હીઃ કડકડતી ઠંડી અને હવામાં વ્યાપ્ત પ્રદૂષણ દિલ્હી એનસીઆરના લોકો માટે મોટી મુસીબત બની ગયા છે. પ્રદૂષણથી રાહત માટે એક યોજના બનાવવામાં આવી હતી પરંતુ ચંદ્રયાન-2 ના કારણે તે ધરાતલ પર ન ઉતરી શકી. હકીકતમાં સરકારે દિલ્હીને પ્રદૂષણથી રાહત અપાવવા માટે કૃત્રિમ વરસાદની યોજના બનાવી હતી. પરંતુ આ કામને ચંદ્રયાન-2 ના કારણે પૂર્ણ ન કરી શકાયું. જો કે અત્યારે અન્ય વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે. કૃત્રિમ વરસાદથી સ્મોગની સ્થિતિને નિયંત્રિત કરી શકાય છે.

પ્રદૂષણના સ્તરને ઓછું કરવા માટે પર્યાવરણ મંત્રાલય, આઈઆઈટી કાનપુર અને ઈસરોએ મળીને ગત મહિને કૃત્રિમ વરસાદ કરાવવાની યોજના બનાવી હતી.એ માટે તમામ સંબંધિત વિભાગો પાસેથી મંજૂરી પણ લેવામાં આવી હતી, પરંતુ જે વિશેષ વિમાનથી કૃત્રિમ વરસાદ કરાવવાનો હતો તે ચંદ્રયાન 2 ના અભિયાનમાં જોડાયેલું છે. અત્યારે કૃત્રિમ વરસાદ કરાવનારુ વિશેષ વિમાન આવનારા કેટલાક મહિનાઓ સુધી ઉપ્લબ્ધ નહીં થઈ શકે. ત્યારે અન્ય કોઈ વિકલ્પની શોધ કરવામાં આવી રહી છે પરંતુ આ આયોજન ક્યારે પૂર્ણ થશે તે મામલે અત્યારે કશું કહી શકાય તેમ નથી.

દિલ્હીમાં અત્યારે પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. બાળકો અને વડીલોને ખાસ કરીને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દિલ્હીમાં ઘણીવાર પ્રદૂષણ અસહનીય સ્તર પર પહોંચી જાય છે. ત્યારે આવામાં અહીંયા કૃત્રિમ વરસાદની જરુર છે. દુનિયાના ઘણા દેશોમાં આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમાં ચીન સૌથી આગળ છે કે જ્યાં કૃત્રિમ વરસાદની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.