આર્ટિકલ 35A મામલે SCમાં સુનાવણી ટળી, અલગતાવાદીઓનું કશ્મીર બંધ યથાવત

શ્રીનગર- જમ્મુ કશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા આર્ટિકલ 35Aની યોગ્યતાને પડકારની અરજી આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. જોકે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની બેન્ચે કહ્યું હતું કે, તેઓ આ મુદ્દે આજે સુનાવણી કરી શકશે નહીં. આ કેસની વધુ સાનવણી 27મી ઓગસ્ટે કરવામાં આવશે.ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એ.એમ. ખાનવિલકરે સુનાવણી ટાળતા જણાવ્યું કે, ત્રણ સદસ્યોની બેન્ચે નક્કી કરવાનું છે કે, આ મુદ્દાને સુનાવણી માટે પાંચ સદસ્યોની બેન્ચને સ્થાનાંતરિત કરવામાં આવે અથવા નહીં. આજે અન્ય એક જજ વી.આઈ. ચંદ્રચુડ હાજર નહીં હોવાના કારણે આ કેસ પર સુનાવણી થઈ શકી નહતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આર્ટિકલ 35Aની યોગ્યતાને પડકારતી અરજીની સુનાવણી 27 ઓગસ્ટથી શરુ થતા સપ્તાહમાં ત્રણ સદસ્યોની બેન્ચ કરશે. આપને જણાવી દઈએ કે, કેન્દ્ર અને રાજ્ય બન્ને જમ્મુ-કશ્મીરમાં પંચાયત ચૂંટણીનો હવાલો આપીને અરજીની સુનાવણી ટાળવા માગણી કરી રહ્યા હતા. જોકે, અરજીકર્તાએ કેસની સુનાવણી ટાળવાનો વિરોધ કર્યો હતો.