કેવા દિવસો આવ્યા છે! દિલ્હીમાં હવે શુધ્ધ શ્વાસ પણ વેચાય છે….

નવી દિલ્હીઃ દિલ્હીમાં સતત ઝહેરીલી હવાથી બચવા માટે દિલ્હીના લોકોએ માસ્ક ખરિદ્યા. ઘરોમાં હવા ચોખ્ખી કરનારા છોડ લગાવ્યા, મોંઘા એર પ્યૂરિફાયર ખરિદ્યા પરંતુ તકલીફમાં લગભગ કોઈ ઘટાડો ન થયો. ત્યારે હવે બજારમાં શ્વાસ પણ વેચાવા લાગ્યો છે. સાકેતના એક મોલમાં ઓક્સી પ્યોર નામથી એક ઓક્સિજન કેફે ખુલ્યું છે, આમાં આવનારા લોકોને અલગ અલગ સુગંધ વાળા ઓક્સિજનનો ડોઝ આપવામાં આવે છે. પ્રદૂષણથી રાહત મેળવવા માટે લોકો ત્યાં જઈ રહ્યા છે, પરંતુ ખૂબ ઓછા પ્રમાણમાં લોકો ત્યાં પહોંચે છે.

એરોમાં એક્સિજનનું સેન્ટર ભારતમાં ખોલવાનો વિચાર હોટલ ઉદ્યોગપતિના દિકરા આર્યવીર કુમારને વર્ષ 2015 માં આવ્યો હતો. તેઓ ફરવા માટે જ્યારે યૂએસ ગયા હતા અને ત્યાં તેમણે આ પ્રકારના સેન્ટર જોયા હતા. મે 2019 ના રોજ તેમણે આના ફાયદા અને નુકસાનની તપાસ કરીને સાકેત મોલમાં આ સેન્ટરની શરુઆત કરી હતી. માત્ર 5 મહીનામાં સેન્ટરને મળેલી સફળતાના કારણે હવે આઈજીઆઈ એરપોર્ટ-3 માં આ પ્રકારનું સેન્ટર ખોલવાનો વિચાર છે.

ઓક્સી પ્યોર સેન્ટરમાં 15 મીનિટ સુધી સુગંધિત ઓક્સિજન લેવા માટે ગ્રાહકે 299 થી 499 રુપિયા ચૂકવવા પડે છે. સેન્ટરના ઈન્ચાર્જ બોની ઈવાંગ્બમે જણાવ્યું કે ચેસ્ટમાં બ્લોકેજ, અસ્થમાં સહિતના દર્દીઓ માટે સેન્ટર ખૂબ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. 15 મીનિટના ઓક્સજનના રેટ તેની સુગંધના કારણે છે. સુગંધ ઓરેન્જ, લેમનગ્રાસ, લવન્ડર, પેપરમિન્ટ અને યૂકેલિપ્ટસના અલગ-અલગ ફ્લેવરમાં આવે છે. સૌથી વધારે માંગ પેપરમિન્ટની છે અને તેના માટે 499 રુપિયા ચૂકવવા પડે છે.