કેરળના જળપ્રલયમાં ભારતીય સેનાનું સાહસ, 82 હજાર લોકોને બચાવ્યાં

તિરુવનંતપુરમ- કેરળના જળપ્રલયમાં રાહત અને બચાવકાર્યમાં લાગેલી ટીમે અત્યાર સુધીમાં લગભગ 82 હજાર 442 લોકોને બચાવી અને તેમને સુરક્ષિત સ્થળે પહોંચડ્યા છે. જેમાં 71 હજારથી વધુ લોકો પૂરથી સૌથી વધુ પ્રભાવિત એર્નાકુલમ જિલ્લાના અલુવા વિસ્તારમાંથી બચાવવામાં આવ્યા છે.કેરળમાં પૂરથી પ્રભાવિત થયેલા અને બેઘર થયેલા આશરે 2.4 લાખ લોકોને 1 હજાર 568 રાહત શિબિરોમાં આશ્રય આપવામાં આવ્યો છે. યુદ્ધના ધોરણે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં નેવીની 46 ટીમ, આર્મીની 18 ટીમ અને એરફોર્સની 13 ટીમ ઉપરાંત 16 કોસ્ટગાર્ડ અને NDRFની ટીમ પણ દિવસ-રાત બચાવ કાર્યમાં જોડાયેલી છે.

ભારતીય નેવીએ પૂર પ્રભાવિત કેરળમાં રાહત અને બચાવ કાર્ય દરમિયાન ગત રોજ 500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. આપને જણાવી દઈએ કે, કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી અતિભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. તેન લીધે જાન-માલનું પણ વ્યાપક નુકશાન થયું છે. નવ દિવસ પહેલા શરુ કરવામાં આવેલા ઓપરેશન મલાડ અંતર્ગત રાજ્યન વિવિધ સ્થળો પર 58 ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં પૂરની સ્થિતિ યથાવત રહ્યા બાદ ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા જે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તે ઈતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેમ છે. આધિકારીક પ્રવક્તાના જણાવ્યા મુજબ દસ દિવસ પહેલા રાજ્યમાં જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારથી જ 3 હજારથી વધુ જવાનો રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે.

ભારતીય વાયુ સેનાએ 23 હેલિકોપ્ટર અને 11 ટ્રાન્સપોર્ટ વિમાન તહેનાત કર્યા છે. આર્મીએ જવાનોની 10 ટુકડી, 10 એન્જીનિયરિંગ ટાસ્ક ફોર્સ, નેવીએ 60 હોડી સહિત જવાનોને સેવા પર લગાવ્યા છે. NDRFએ 43 રાહત ટીમ અને 163 હોડીઓને અન્ય બચાવ સામગ્રી સાથે કામ કામે લગાવ્યા છે.