યુનિવર્સિટી કેમ્પસમાં હિંસક પ્રદર્શનો પર આર્મી ચીફની પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ  દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને લઈને રાજનૈતિક બેડામાં ખૂબ વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે વિશ્વવિદ્યાલયોના પ્રદર્શન પર સવાલો ઉઠાવ્યા છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહેલા જવાનોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે લોકો દિલ્હીની ઠંડીથી પોતાને બચાવવાના કામમાં લાગ્યા છે જ્યારે સિયાચિનમાં મારા જવાનો -10 થી -45 ડિગ્રીમાં સરહદની રક્ષા કરી રહ્યા છે.

એનઆરસી અને સીએબીને લઈને ચાલી રહેલા વિરોધ અને દેશના ઘણા વિશ્વવિદ્યાલયોમાં પ્રદર્શન પર પણ આર્મી ચીફે કડક પ્રતિક્રિયા આપી. તેમણે કોઈ યૂનિવર્સિટીનું નામ લીધા વગર જ કહ્યું કે, નેતૃત્વ ક્ષમતા એ નથી કે જે લોકોને ખોટી દિશામાં લઈ જતી હોય. આજે આપણે મોટી સંખ્યામાં યૂનિવર્સિટી અને કોલેજોમાં વિદ્યાર્થીઓની આગેવાનીમાં ઘણા શહેરોમાં ભીડ અને લોકોને હિંસક પ્રદર્શન કરતા જોઈ રહ્યા છીએ. આ નેતૃત્વ ક્ષમતા નથી.

સિયાચિનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં જોડાયેલા ભારતીય સેનાના જવાનોની પ્રશંસા કરતા આર્મી ચીફે કહ્યું કે, આજના દિવસે જ્યારે આપણ દિલ્હીમાં ઠંડીથી પોતાને બચાવવાના કામમાં લાગેલા છીએ, ત્યારે હું મારા જવાનો તરફ બધાનું ધ્યાન કેન્દ્રીત કરવા ઈચ્છું છું. સિયાચિન અને બીજી ઉંચી ચોટીઓ પર ઉભેલા મારા જવાનો -10 થી -45 ડિગ્રી સુધીના તાપમાનમાં દટાયેલા છે.

આર્મી ચીફે નેતૃત્વ પર બોલતા કહ્યું કે, આ સરળ કામ નથી પરંતુ ખૂબ મુશ્કેલ કામ છે. સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે, લીડરશિપ એક મુશ્કેલ કામ છે કારણ કે જ્યારે તમે આગળ વધો છો તો મોટી સંખ્યામાં લોકો આપને ફોલો કરે છે.