આતંકીઓ સામે ફરી સર્જીકલ સ્ટ્રાઈક જરુરી: સેના પ્રમુખ બિપિન રાવત

નવી દિલ્હી- ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતે પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાનની સેનાને લઈને મોટું નિવેદન કર્યું છે. બિપિન રાવતે કહ્યું કે, પાકિસ્તાનમાં જ્યાં સુધી સેના અને ISI સરકારને આધીન નહીં આવે ત્યાં સુધી સરહદ પર સ્થિતિ સુધરી શકાશે નહીં.વધુમાં સેના પ્રમુખ બિપિન રાવતે એમ પણ જણાવ્યું કે, વર્તમાન સમયમાં સરહદે જે સ્થિતિ ચાલી રહી છે, તે જોતાં આતંકીઓ વિરુદ્ધ વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક કરવાની જરુર જણાઈ રહી છે. સેના પ્રમુખે કહ્યું કે, કશ્મીરમાં સામાન્ય નાગરિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. અને અલગતાવાદીઓના પરિજનો વિદેશોમાં મજા કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કશ્મીર ખીણ વિસ્તારમાં પોલીસકર્મીઓને આતંકીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. આ અંગે જનરલ બિપિન રાવતે કહ્યું કે, પોલીસકર્મીઓને ટાર્ગેટ કરવા એમાં આતંકીઓની નિરાશા દેખાઈ રહી છે. અને તેને કાબૂ કરવા કશ્મીર ખીણમાં સેના તેનું ઓપરેશન ચાલુ રાખશે.

સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે, કશ્મીરનો યુવાન રોજગાર ઈચ્છે છે. જોકે અલગતાવાદી અને આતંકી સંગઠનો યુવાઓને રોજગાર છોડીને આતંકી બનવા પ્રોત્સાહન આપી રહ્યાં છે. બિપિન રાવતે કહ્યું કે, અમે એ વાત પર ભાર મુકી રહ્યાં છીએ કે, ભારતીય સેનાને કેવી રીતે વધુ આધુનિક બનાવી શકાય. સમયની માગ પ્રમાણે અમારે જલદી જ આધુનિક સેના તૈયાર કરવી પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]