અયોધ્યા કેસમાં તમામ પક્ષોની દલીલબાજી સમાપ્ત; સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

નવી દિલ્હી – અયોધ્યાના વિવાદાસ્પદ માળખા – રામ મંદિર કે બાબરી મસ્જિદ?ને લગતા સંવેદનશીલ કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ સંબંધિત પક્ષકારોની દલીલો સાંભળવાનું આજે પૂરું કર્યું છે. આજે દલીલબાજોની સમાપ્તિ બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસ (અયોધ્યા કેસ)માં સુનાવણીનો આજે સતત 40મો અને છેલ્લો દિવસ હતો.

સુપ્રીમ કોર્ટે તમામ સંબંધિત પક્ષોને એમની રજૂઆત લેખિતમાં ત્રણ દિવસમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

હિન્દુ મહાસભાના ધારાશાસ્ત્રી વરુણ સિન્હાએ પત્રકારોને કહ્યું કે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે એનો નિર્ણય 23 દિવસની અંદર આવી જશે.

સુનાવણી પૂરી થઈ એ પહેલાં સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને મસ્જિદ પ્રસ્થાપિત કરવાની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે મકાન બાંધવાનો અધિકાર અમારો છે. ઈંટો હજી પણ અહીં પડી છે અને આ સ્થળ હજી પણ વક્ફની માલિકીનું જ છે.

એમણે વધુમાં કહ્યું કે, મારી દલીલ માત્ર જમીનની માલિકી માટેની જ નથી. બીજા પણ પાસાં છે. તે જાહેર મસ્જિદ હતી. એમાં મસ્જિદ, જમીન તથા બીજી ઘણી ચીજો હતી.

વક્ફ બોર્ડે કેસમાંથી હટી જવાની તૈયારી બતાવી

અગાઉ, સુન્ની વક્ફ બોર્ડે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાંથી હટી જવા માટે સુપ્રીમ કોર્ટે નિમેલી મધ્યસ્થ સમિતિને પ્રસ્તાવ મોકલીને સૌને ચોંકાવી દીધા હતા.

સુન્ની વક્ફ બોર્ડના ચેરમેને શ્રીરામ પાંચુને પોતાનો પ્રસ્તાવ મોકલી દીધો છે. પાંચુ સુપ્રીમ કોર્ટે નિમેલી ત્રણ-સભ્યોની મધ્યસ્થ સમિતિના એક સભ્ય છે.

દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ

આ કેસમાં સુનાવણી દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની પાંચ-જજની બંધારણીય બેન્ચે કરી છે. ગોગોઈએ અગાઉ કેસમાં દલીલબાજી સમાપ્ત કરવા માટે 18 ઓક્ટોબરની ડેડલાઈન નક્કી કરી હતી. જે તારીખ એણે બાદમાં બદલીને એક દિવસ વહેલી, 17 ઓક્ટોબર કરી હતી. એવું લાગે છે કે ગોગોઈ નિવૃત્ત થાય એ પહેલાં આ કેસમાં ચુકાદો આવી જશે. ચીફ જસ્ટિસ પદેથી ગોગોઈ 17 નવેંબરે નિવૃત્ત થાય છે.