લાપતા થયેલા ભારતીય હવાઈ દળના વિમાનનો કોઈ પત્તો લાગ્યો નથી

0
991

ગુવાહાટી – 13 જણ સાથેના અને લાપતા થયેલા ભારતીય હવાઈ દળનું AN-32 ટ્રાન્સપોર્ટર વિમાનની હજી સુધી ભાળ મળી નથી. આ વિમાન આજે બપોરે આસામથી અરૂણાચલ પ્રદેશ જવા ઉપડ્યા બાદ લાપતા થયું હતું. એની શોધખોળ તરત જ ચાલુ કરવામાં આવી હતી, પરંતુ સાંજે 7 વાગ્યા સુધી પણ એના કાટમાળનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

આ વિમાને આજે બપોરે 12.25 વાગ્યે આસામના જોરહટમાંથી ટેકઓફ્ફ કર્યું હતું અને તે અરૂણાચલ પ્રદેશના મેચુકા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ ખાતે પહોંચવાનું હતું. મેચુકા અરૂણાચલ પ્રદેશના પશ્ચિમી સિઆંગ જિલ્લાનું નાનકડું નગર છે. આ જિલ્લો ચીન સાથે સરહદ બનાવે છે.

12.25 વાગ્યે ઉપડ્યાની 35 મિનિટમાં જ વિમાને ગ્રાઉન્ડ સ્ટાફ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. ત્યારથી વિમાનનો કે એમાંના આઠ ક્રૂ મેમ્બર્સ કે અન્ય પાંચ જણનો કોઈ સંપર્ક થયો નથી.

રડાર પરથી અદ્રશ્ય થયાના સાત કલાક બાદ પણ AN-32 વિમાનનો પત્તો લાગ્યો નહોતો.

લાપતા થયેલા વિમાનને શોધવાની કામગીરીમાં ભારતીય હવાઈ દળના C-130J, AN-32 અને મિગ-17 વિમાનો તથા ભારતીય લશ્કરનું ALH હેલિકોપ્ટર જોડાયા હતા.

લાપતા વિમાનને શોધવામાં ભારતીય હવાઈ દળ અને ભારતીય લશ્કરને ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ અને સિવિલ એજન્સીઓ પણ મદદ કરી રહી છે. આખી રાત આકાશમાંથી અને જમીન પર વિમાનને શોધવાની કામગીરી ચાલુ રખાશે.

નવી દિલ્હીમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે એમણે આ ઘટના અંગે ભારતીય હવાઈ દળના નાયબ વડા એર માર્શલ રાકેશ સિંહ ભદુરીયા સાથે વાત કરી હતી.