અમિત શાહ કદાચ ગુરુવારે શ્રીનગરના લાલ ચોકમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે

શ્રીનગર – કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ એક નવો ઈતિહાસ સર્જવાની તૈયારીમાં હોય એવું લાગે છે. તેઓ શ્રીનગર આવી રહ્યા છે અને ગુરુવારે 15 ઓગસ્ટે દેશના 73મા સ્વાતંત્ર્ય દિવસે શહેરના પ્રસિદ્ધ લાલ ચોક ખાતે રાષ્ટ્રીય તિરંગો ફરકાવશે એવું બિઝનેસ ટુડેનો અહેવાલ જણાવે છે.

આ સમાચારને અત્યંત ખાનગી રાખવામાં આવ્યા છે. પરંતુ સલામતીના જે રીતે અત્યંત કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે એના પરથી એવી અટકળોને બળ મળ્યું છે કે શાહ ગુરુવારે શ્રીનગર આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જમ્મુ અને કશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો રદ કરી દીધો છે એટલું જ નહીં, પણ એને રાજ્ય તરીકે સમાપ્ત કરીને એને બે ભાગમાં વહેંચી દીધું છે. બંને ભાગને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરાયા છે. એક – જમ્મુ અને કશ્મીર તથા બીજો લડાખ.

સરકારે આ ઐતિહાસિક પગલું ભર્યા બાદ ગૃહ પ્રધાન શાહ પહેલી જ વાર જમ્મુ-કશ્મીર આવશે. જોકે જમ્મુ-કશ્મીર પોલીસ વડા મથકના અધિકારીઓએ હજી સુધી આ વાતને સમર્થન આપ્યું નથી.

કશ્મીર ખીણ વિસ્તારમાં પરિસ્થિતિ પર હાલ ચાંપતી દેખરેખ રાખી રહ્યા છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ. કહેવાય છે કે ગુરુવારે સ્વાતંત્ર્ય દિવસે શ્રીનગર શહેરના લાલ ચોક ખાતે અમિત શાહ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને ત્યારે ડોવલ પણ ત્યાં હાજર રહેશે.

નવી દિલ્હીમાંના સૂત્રોએ કહ્યું છે કે અમિત શાહ શ્રીનગર જાય એવી શક્યતા છે, પરંતુ એની તારીખો વિશે હાલને તબક્કે મિડિયાને જાણ કરી શકાય એમ નથી, કારણ કે આ સલામતીને લગતો મામલો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઊભી થઈ હોવાથી અમિત શાહની મુલાકાતના સમાચારને ખાનગી રાખવામાં આવ્યા છે.

દેશના ગૃહ પ્રધાન સામાન્ય રીતે ભારતીય સીમા સુરક્ષા દળના વિમાનમાં પ્રવાસ કરતા હોય છે અને એમના પ્રવાસ કાર્યક્રમની જાણ સરકારી સંકલનકારી એજન્સીઓને છેલ્લી ઘડીએ જ કરવામાં આવતી હોય છે. આમાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યૂરિટી ફોર્સનો સમાવેશ થાય છે જે દેશના વિમાનીમથકો પર ચોકીપહેરો ભરે છે.

શાહ કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ છે તેથી એમના જાન પર મોટું જોખમ રહેલું છે, એવું ગુપ્તચર સૂત્રોનું કહેવું છે.

હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોશીએ 1992માં લાલ ચોક ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. એ વખતે ત્રાસવાદી જૂથો તરફથી હુમલાનો ગંભીર ખતરો હતો તે છતાં મોદી અને જોશીએ તિરંગો ફરકાવ્યો હતો. એ પહેલાં, 1948માં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ લાલ ચોકમાં જ તિરંગો ફરકાવ્યો હતો.

ઘણા સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે લાલ ચોક ખાતે આઝાદી દિવસે તિરંગો ફરકાવીને ભારત સરકાર પાકિસ્તાન-તરફી ત્રાસવાદી જૂથોને કડક સંદેશ આપશે કે હવે ત્રાસવાદીઓનું આવી બનશે.