વિદ્યાસાગરની પ્રતિમાને તૃણમુલ કોંગ્રેસે ખંડિત કરીઃ અમિત શાહનો આરોપ

નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે આજે અહીં પત્રકાર પરિષદમાં એવો આરોપ મૂક્યો હતો કે ગઈ કાલે કોલકાતામાં એમના રોડ શો વખતે પશ્ચિમ બંગાળના સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને ખંડિત કરવાનું કામ તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓએ કર્યું હતું.

ભાજપના મુખ્યાલય ખાતે પત્રકારોને સંબોધિત કરતાં શાહે કહ્યું કે દેશભરમાં લોકસભા ચૂંટણીના છ તબક્કા પૂરા થઈ ગયા છે, પણ હિંસાના બનાવો માત્ર પશ્ચિમ બંગાળમાં જ થયા છે.

શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી એવો આરોપ મૂકે છે કે એમના રાજ્યમાં ભાજપ હિંસા ફેલાવે છે. બેનરજીની પાર્ટી માત્ર 42 સીટ પર ચૂંટણી લડી રહી છે, પણ ભાજપ આખા દેશમાં ચૂંટણી લડે છે. બંગાળને બાદ કરતાં બીજે ક્યાંયથી હિંસાના બનાવ બન્યા નથી. આનો મતલબ એ થયો કે હિંસા માટે તૃણમુલ કોંગ્રેસ જ જવાબદાર છે.

શાહે કહ્યું કે એમના રોડ શો વખતે ત્રણ હુમલા કરવામાં આવ્યા હતા, રાજ્યની પોલીસ મૂક પ્રેક્ષક બનીને બેસી રહી. સહાનુભૂતિ મેળવવા માટે બેનરજીએ જ વિદ્યાસાગરની પ્રતિમાની તોડફોડ કરવાનું કાવતરું ઘડ્યું હતું. કોલેજનો દરવાજો બંધ હતો અને ભાજપના કાર્યકરો તો બહાર હતા. તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓ કોલેજની અંદરથી પથ્થરમારો કરતા હતા. આખું કાવતરું અને ડ્રામા મમતા બેનરજીએ ઘડ્યું હતું – લોકોની સહાનુભૂતિ મેળવવા માટે.

શાહે એવો દાવો કર્યો હતો કે કોલકાતામાં ગઈ કાલે સીઆરપીએફના જવાનો પહેરો ભરી રહ્યા હતા એટલે જ પોતાનો જાન બચી ગયો હતો. જો સીઆરપીએફ ન હો તો મારે માટે જીવતા પાછા ફરવાનું મુશ્કેલ બની ગયું હોત.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]