ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા પ્રભાવિત, 3 દિવસથી કેમ્પમાં ફસાયા યાત્રી

શ્રીનગર- આ વર્ષે અમરનાથ યાત્રાની શરુઆતથી જ જમ્મુ-કશ્મીરમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની છે. જેથી સુરક્ષા અને સાવચેતીના પગલારુપે વહીવટી તંત્રએ યાત્રાળુઓને કેમ્પમાં જ રોકી રાખ્યા છે. જેથી દેશભરમાંથી બાબા બર્ફાનીના દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ હાલમાં કેમ્પમાં રોકાવા મજબૂર બન્યા છે.ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે. જોકે કેમ્પમાં રોકાયેલા યાત્રાળુઓ ઉપર ભારે વરસાદ અને ખરાબ હવામાનની કોઈ જ અસર જણાઈ નથી રહી. યાત્રાને લઈને તેમનો ઉત્સાહ અનેરો જણાઈ રહ્યો છે. પ્રશાસન પણ પ્રવાસીઓની તકલીફ દુર કરવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે.

મળતી માહિતી મુજબ જમ્મુમાં ભારે વરસાદને કારણે ભગવતી નગર યાત્રી નિવાસથી કશ્મીર ખીણ તરફ કોઈપણ વાહનને જવાની હાલમાં પરવાનગી આપવામાં આવતી નથી. જેથી યાત્રીઓ કેમ્પમાં જ રોકાયા છે અને યાત્રા ફરીવાર શરુ થવાની રાહ જોઈ રહ્યાં છે.

અમરનાથ યાત્રામાં આવતા યાત્રાળુઓની સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. બાબા બર્ફાનીની યાત્રાએ આવતા ભક્તો માટે વિશેષ લંગરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં તેમને ભોજનની સુવિધા આપવામાં આવે છે.આપને જણાવી દઈએ કે, આ વર્ષે અમરનાથ યાત્રા 28 જૂનથી શરુ થઈ છે. જોકે પ્રથમ દિવસથી જ વરસાદનું વિઘ્ન રહ્યું છે. જેના લીધે રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. બાલતાલ અને પહેલગામ બન્ને રુટ પર યાત્રા અટકાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ કોઈ-કોઈ જગ્યાએ તો ભારે વરસાદને કારણે યાત્રાનો રુટ પણ ધોવાઈ ગયો છે.આપને જણાવી દઈએ કે, 60 દિવસ ચાલનારી આ યાત્રા માટે અત્યાર સુધી બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. યાત્રાનું સમાપન 26 ઓગસ્ટના રોજ થશે.