મોદીની આગેવાની હેઠળની સમિતિએ આલોક વર્માને CBI ડાયરેક્ટર પદેથી દૂર કર્યા

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એક ઉચ્ચ સ્તરીય સિલેક્ટ સમિતિએ આજે એક મોટો નિર્ણય લઈને આલોક વર્માને દેશની ટોચની તપાસ એજન્સી સીબીઆઈના ડાયરેક્ટર પદેથી આજે હટાવી દીધા છે. વર્માને હજી ગઈ કાલે જ સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટર પદ પર પ્રસ્થાપિત કર્યા હતા.

વર્માને પદ પરથી હટાવવાનો 2ઃ1 નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્માને હટાવવા માટે વડા પ્રધાન મોદી તથા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એ.એસ. સિકરીએ તરફેણ કરી હતી જ્યારે કોંગ્રેસના સંસદસભ્ય મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ કર્યો હતો. ખડગેનો વિરોધ ઉડી ગયો હતો.

વર્માને પદ પરથી હટાવવાનો નિર્ણય સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) તરફથી આપવામાં આવેલા અહેવાલને પગલે લેવામાં આવ્યો છે. વર્માને આ સાથે ફાયર સર્વિસીસ વિભાગમાં ડાયરેક્ટર જનરલ તરીકે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.

અગાઉ જેમને સીબીઆઈના વચગાળાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તે નાગેશ્વર રાવને સીબીઆઈના ડાયરેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

વડા પ્રધાન મોદી, ખડગે અને જસ્ટિસ સિકરીની સમિતિની બેઠક બે કલાકથી પણ વધુ સમય સુધી ચાલી હતી. દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ બેઠકમાં પોતાના વતી પ્રતિનિધિત્વ કરવા માટે જસ્ટિસ સિકરીને નિયુક્ત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બે મહિના અગાઉ, આલોક વર્મા અને એમના નાયબ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ એકબીજા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ કર્યા બાદ કેન્દ્ર સરકારે બંનેને રજા પર ઉતારી દીધા હતા.

 

વર્માને બુધવારે સુપ્રીમ કોર્ટે એમના પદ પર પ્રસ્થાપિત કર્યા હતા અને આજે વર્માએ એમનું પદ ફરી સંભાળ્યું હતું અને તરત જ એમણે એમની ગેરહાજરીમાં વચગાળાના ડાયરેક્ટર તરીકે નાગેશ્વર રાવે જે અધિકારીઓને ટ્રાન્સફર કર્યા હતા એમના ટ્રાન્સફર રદ કર્યા હતા.

સુપ્રીમ કોર્ટે બુધવારે વર્માને એમના પદ પર પ્રસ્થાપિત કર્યા હતા, પરંતુ એમને કોઈ પણ મોટા નીતિવિષયક નિર્ણય લેવાની મનાઈ ફરમાવી હતી. જ્યાં સુધી વડા પ્રધાનના વડપણ હેઠળની પસંદગી સમિતિ નિર્ણય ન લે ત્યાં સુધી કોઈ મોટા નિર્ણય ન લેવાનો વર્માને આદેશ આપ્યો હતો.