ફ્લાઈટ મોડી પડવાને કારણે એર ઈન્ડિયાએ કદાચ પ્રવાસીઓને 88 લાખ ડોલર પેનલ્ટી રૂપે ચૂકવવા પડશે

નવી દિલ્હી – સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાએ ગઈ 9 મેએ તેની દિલ્હી-શિકાગો ફ્લાઈટ મોડી પડી હતી એને કારણે 323 પ્રવાસીઓને પેનલ્ટી તરીકે કદાચ 88 લાખ ડોલરની રકમ ચૂકવવી પડશે.

પોતાના ક્રૂ મેમ્બર્સ ફ્લાઈટ ડ્યૂટી ટાઈમ લિમિટેશન (FDTL) દરમિયાન વિશ્રામ પર જતા રહ્યા હોવાને લીધે ફ્લાઈટ મોડી પડી હતી અને તે એના ગંતવ્ય સ્થાને 6 કલાક મોડી પહોંચી હતી.

ગઈ 9 મેની શિકાગો જનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-127નો ફ્લાઈટ ટાઈમ 16 કલાકનો હતો, પણ ખરાબ હવામાનને કારણે એ ત્યાં સમયસર લેન્ડ કરી શકી નહોતી અને શિકાગોને બદલે એને નજીકના મિલ્વાઉકીમાં ડાઈવર્ટ કરવી પડી હતી.

મિલ્વાઉકીથી શિકાગો સુધીનું ફ્લાઈટ ડ્યૂરેશન 19 મિનિટનું છે, પણ વિમાનને મિલવાઉકીમાં બે કલાક રોકી રાખવામાં આવ્યું હતું.

એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સ એ દરમિયાન વિશ્રામ પર જતા રહ્યા હતા. જેને કારણે વિમાનને મિલવાઉકીથી શિકાગો પહોંચાડવામાં છ કલાકનો સમય લાગ્યો હતો.

એર ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ, હાઈકોર્ટના ઓર્ડરને પગલે ડીજીસીએ સંસ્થાએ ક્રૂ મેમ્બર્સના ડ્યૂટી અવર્સ અંગે નવો નિયમ લાગુ કર્યો છે. એને લીધે એર ઈન્ડિયા પાસે નવા ક્રૂ મેમ્બર્સને મોકલ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નહોતો. એ કર્મચારીઓને ફ્લાઈટનો ચાર્જ લેવા માટે રોડ માર્ગે મિલ્વાઉકી મોકલવામાં આવ્યા હતા.

એને કારણે છ કલાકના વિલંબ બાદ ફ્લાઈટ શિકાગો માટે રવાના થઈ હતી. ત્યાં સુધી પ્રવાસીઓને વિમાનમાં જ બેઠા રહેવું પડ્યું હતું.

મામલો ત્યાં જ અટક્યો નહોતો. એર ઈન્ડિયા માટે મોટી સમસ્યા અમેરિકાના કડક નિયમોની છે. એને અમેરિકાનો ‘ટાર્મેક ડિલે’ નિયમ નડ્યો છે. અમેરિકામાં નિયમ છે કે કોઈ પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં પ્રવાસીઓને જો ચાર કલાકથી વધારે સમય સુધી પડ્યા રહે તો એરલાઈન ‘ટાર્મેક ડિલે’ માટે દોષી ઠરે.

આવા કેસમાં એરલાઈનને વિમાનમાં હાજર પ્રત્યેક પેસેન્જર દીઠ 27,500 ડોલરની પેનલ્ટી લાગે. ઉક્ત કેસમાં વિમાનમાં 323 પ્રવાસીઓ હતા એટલે એર ઈન્ડિયાને 88 લાખ ડોલરની પેનલ્ટી લાગી શકે છે.

પ્રવાસીઓમાં 41 જણ વ્હીલચેર ગ્રસ્ત હતા, બે નવજાત બાળકો હતા એક બાળક ઓટિસ્ટિક હતો.