એર ઈન્ડિયાનો સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક કરાયો; હેકર્સ તૂર્કીના હોવાની શંકા

નવી દિલ્હી – દેશની રાષ્ટ્રીય અને સરકાર સંચાલિત એરલાઈન એર ઈન્ડિયાનો ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યો છે.

આ સાઈબર હુમલો ગઈ કાલે રાતે કરવામાં આવ્યો હતો. એર ઈન્ડિયાના એકાઉન્ટ પર ગેરમાર્ગે દોરતા અનેક ટ્વીટ્સ મૂકવામાં આવ્યા હતા.

એમાંના એક ટ્વીટમાં તો એવું લખવામાં આવ્યું હતું કેઃ છેલ્લી ઘડીએ કરાયેલી મહત્વની જાહેરાતઃ એર ઈન્ડિયાની બધી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે અને હવે એર ઈન્ડિયા તુર્કી એરલાઈન્સ સાથે મળીને જ સેવા બજાવશે.

આના પરથી એવી શંકા જાય છે કે આ એકાઉન્ટ તુર્કીના હેકર્સે હેક કર્યો છે.

એર ઈન્ડિયાનું ટ્વિટર હેન્ડલ હેક કરાયા બાદ એરલાઈનના વેરીફાઈડ એકાઉન્ટ પર ટર્કિશ એરલાઈનની એક તસવીર પણ જોઈ શકાય છે જેમાં તુર્કી ભાષામાં પણ અનેક ટ્વીટ કરવામાં આવ્યા છે.

આ એકાઉન્ટ પરથી વેરીફાઈડ બ્લૂ ટિક પણ હટાવી દેવામાં આવ્યું હતું. એક રીટ્વીટમાં એવો દાવો કરાયો છે કે આ એકાઉન્ટને ટર્કિશ સાઈબર આર્મી ઐલ્દિઝ ટીમે હેક કર્યું છે અને તમારી તમામ જરૂરી ડેટા પર કબજો કરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ વેરીફાઈડ એકાઉન્ટનો યૂઝર બદલાઈ જાય છે ત્યારે અમુક સમય સુધી એના એકાઉન્ટ પરથી ટ્વિટર વેરિફિકેશનનું ચિન્હ – બ્લૂ ટીક હટાવી દેવામાં આવે છે. એવા કેસમાં ટ્વિટરને પોતાના દસ્તાવેજો ઉપલબ્ધ કરીને જણાવવું પડે છે કે હવે એનો એકાઉન્ટ અસલી યૂઝરના તાબામાં છે.

એકાઉન્ટ હેક થયા વિશે એર ઈન્ડિયાના મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી.