ઉડ્ડયન વખતે આંચકો લાગતાં એર ઈન્ડિયાના વિમાનની બારીની પેનલ તૂટી ગઈ; ત્રણ જણ ઘાયલ

નવી દિલ્હી – અમૃતસરથી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાના એક વિમાનમાં ગઈ 19 એપ્રિલે ગભરાટ ફેલાવી દેનારી એક ઘટના બની હતી. વિમાન ઉડ્ડયન પર હતું એ વખતે એની એક વિન્ડો પેનલ તૂટી જવાથી પ્રવાસીઓમાં અફડાતફડી મચી ગઈ હતી. તે ઘટનામાં ત્રણ પ્રવાસી ઘાયલ થયા હતા. વિમાનમાં કુલ 240 પ્રવાસીઓ હતા.

કેટલાક ઓવરહેડ ઓક્સીજન માસ્ક્સને તરત જ નીચે ઉતરી આવ્યા હતા.

એ ઘટના બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનમાં બની હતી. વિમાને અમૃતસરથી દિલ્હી જવા માટે ઉડ્ડયન શરૂ કર્યું હતું અને તરત જ વિમાન આંચકો લાગવાથી હચમચી ગયું હતું. આંચકો લાગવાથી વિમાનની બારી અચાનક એક મહિલા યાત્રી પર પડી હતી. જેને કારણે એ ખૂબ જ ડરી ગઈ હતી. જોકે બહારની તરફની બારી તૂટી નહોતી. આ ઘટનાનો વિડિયો પણ બહાર આવ્યો છે. જેમાં એક એર હોસ્ટેસને 18A સીટની બારીની તૂટી ગયેલી પેનલને ફરી બેસાડતી જોઈ શકાય છે અને બારીની બાજુમાં બેઠેલી અને ગભરાઈ ગયેલી મહિલા પ્રવાસીને તે હિંમત આપવાની કોશિશ કરી રહી છે.

httpss://twitter.com/MAG4_AME/status/987929550574108672

એર ઈન્ડિયાના અધિકારીઓએ કહ્યું કે આ બનાવ બહુ અજબ પ્રકારનો હતો. વિમાન ઉપડ્યા બાદ હવામાન ખરાબ હોવાને કારણે અચાનક આંચકો લાગ્યો હતો. એ વખતે વિમાન 15,000 ફૂટની ઊંચાઈ પર હતું.

વિમાનમાં આંચકો લાગતાં એક પ્રવાસીનું માથું ઓવરહેડ કેબીન સાથે અથડાયું હતું.

એર ઈન્ડિયા મેનેજમેન્ટ તથા સિવિલ એવિએશનના ડાયરેક્ટર આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

એ ઘટનાને કારણે વિમાનમાં પ્રવાસ કરી રહેલા લોકો 10-15 મિનિટ સુધી ગભરાટની સ્થિતિમાં રહ્યા હતા.