સંસદમાં સૌને મોંએ એક વાત, રાહુલ ગાંધી ક્યાં? ચર્ચા બાદ કર્યું ટ્વીટ,પછી શપથ…

નવી દિલ્હી- 17મી લોકસભાના પ્રથમ સત્રની કાર્યવાહી સોમવારથી શરુ થઈ ગઈ છે. પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નવનિર્વાચિત સભ્યોએ સંસદના સભ્ય તરીકે શપથ લીધા. આ દરમિયાન સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જોવા મળ્યા ન હતાં. પીએમ મોદીની શપથ લીધા પછી તરત જ મોદી સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યપ્રધાન રામદાસ અઠાવલેએ કોંગ્રેસ તરફ ઈશારો કરતા પૂછ્યું કે, રાહુલ ગાંધી ક્યાં છે?

જોકે તેઓ કલાકો સુધી સંસદમાં ન હતાં. ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, તે આજે બપોરે લોકસભા સાંસદના રૂપમાં શપથ લેશે. રાહુલે લખ્યું કે, લોકસભાના સભ્ય તરીકે મારો સતત ચોથો કાર્યકાળ આજથી શરુ થઈ રહ્યો છે. કેરળના વાયનાડનું પ્રતિનિધિત્વ કરતા હું આજે બપોરે શપથ લઈને સંસદમાં મારી નવી ઈનિંગની શરુઆત કરીશ. હું એ ભરોસો અપાવું છું કે, હું ભારતના સંવિધાન પ્રત્યે સાચો વિશ્વાસ અને નિષ્ઠા રાખીશ. સાંજે 4 વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા પહોંચીને સાંસદ તરીકે શપથ લીધાં હતાં..

ઉલ્લેખનીય છે કે, પ્રથમ સત્ર શરુ થવાની સાથે સ્પીકર વીરેન્દ્ર કુમારે તમામ નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન પાઠવ્યાં. સત્રની શરુઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સ્પીકર વીરેન્દ્ર કુમારે સદનની પરંપરા અનુસાર થોડી ક્ષણો માટે મૌન રહેવા સભ્યોને કહ્યું, સભ્યોએ તેમના સ્થાન પર ઉભા રહીને થોડી ક્ષણો માટે મૌન પાળ્યું હતું. આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે સાત વખત સાંસદ રહેલા વીરેન્દ્ર કુમારને લોકસભાના સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતાં. બુધવારે નવા લોકસભા અધ્યક્ષની નિયુક્તિ પછી તેમની ભૂમિકા પૂર્ણ થઈ જશે.

આપને જણાવીએ કે આ વખતની સંસદમાં ઘણાં વરિષ્ઠ નેતાઓ જોવા નહીં મળે જેમાં કોગ્રેસના ગત સંસદમાં વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને જ્યોતિરાદિત્ય સિંધીયા છે તો ભાજપના લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, સુમિત્રા મહાજન, અરુણ જેટલી જેવા પ્રથમ દરજ્જાના નેતાઓ પણ સદનમાં જોવા નહીં મળે.