મોટા ફેરફાર સાથે આવશે મોદી 2.0 સરકાર, નવા ચહેરાને મળી શકે સ્થાન

નવી દિલ્હી- ફરી એકવાર મોદી સરકાર. અને એ પણ પહેલાંથી વધુ દમદાર. ભાજપની આ માટે જીતની અસર હવે મોદી કેબિનેટમાં પણ જોવા મળી શકે છે. કેટલાક મંત્રાલયોમાં પ્રધાનોની ફેરબદલી સંભવ છે. કેટલાક પ્રધાનોને ઈનામ મળી શકે છે, તો કેટલાક નવા ચહેરાઓ પણ સામેલ થઈ શકે છે. જે મંત્રાલયો પર સૌથી વધુ નજર રહેશે તે હશે નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલય.

કેબિનેટમાં સામેલ થઈ શકે છે અમિત શાહ?

ભાજપને 2019માં અભૂતપૂર્વ જીત મળી છે તેની પાછળ અમિત શાહની રણનીતિ અને મહેનત ખૂબ કામ લાગી છે.  એ જોતાં તેમને કેન્દ્રીય પ્રધાન બનાવી શકે છે.ત્યારે સવાલ એ છે કે,  જો અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવશે તો રાજનાથ સિંહનું મંત્રાલય પણ બદલવું પડશે. તો બીજી તરફ પાર્ટી અધ્યક્ષની ખુરશી પણ ખાલી થઈ જશે. આ સ્થિતિમાં જેપી નડ્ડા અથવા તો નીતિન ગડકરીને પાર્ટીની કમાન સોંપવામાં આવી શકે છે.

અરુણ જેટલીની ભૂમિકામાં ફેરફાર?

આર્થિક મોર્ચે સરકારની હાલત ખરાબ રહી છે. જેથી નાણાં મંત્રાલયની જવાબદારી વધી શકે છે. જેટલીના સ્વાસ્થ્યને જોતાં તેમના કોઈ ઓછી કામગીરી ધરાવતું મંત્રાલય આપી શકે છે અથવા તો પછી તેમની મદદ માટે સાથે રાજ્યપ્રધાન આપવામાં આવશે? જો જેટલીને નાણાંમંત્રાલયની જવાબદારી નહીં સોંપવામાં આવે તો, તેમનું સ્થાને પીયૂષ ગોયલની પસંદગી થઈ શકે છે. જ્યારે જેટલી સારવાર કરાવી રહ્યાં હતાં ત્યારે વચ્ચગાળાના નાણાંપ્રધાન તરીકે પીયૂષ ગોયલ જ કામગીરી સંભાળી રહ્યાં હતાં.

અન્ય એક પ્રધાનના પોર્ટફોલિયોમાં ફેરફાર થઈ શકે છે. તે છે વિદેશપ્રધાન સુષમા સ્વરાજ. જો કે, સુષમા સ્વરાજ મોદી કેબિનેટના ટોપ પર્ફોર્મિંગ પ્રધાનોમાંનાં એક છે. પરંતુ તેમનું પણ સ્વાસ્થ્ય તેમના કામની આડે આવી રહ્યું છે. વિદેશ પ્રધાન તરીકે એમની પાસેથી વિદેશ યાત્રાઓની પણ આશા રહે છે. કોઈ આશ્ચર્ય નહીં હોય કે, વડાપ્રધાન મોદી પોતે વિદેશ યાત્રાના મોર્ચે આગળ રહ્યાં છે. એ જોતાં વિદેશ મંત્રાલયમાં પણ ફેરફાર થઈ શકે છે.મહારાષ્ટ્ર,હરિયાણા અને ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે, જેથી સંભવ છે કે, નવી મોદી કેબિનેટમાં આ રાજ્યોના ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટી જીત મળી છે. અહીં ગ્રાઉન્ડ સ્તર પર જે નેતાઓએ પાર્ટીને ઉભી કરી છે, તેમને પ્રોત્સાહનના ભાગરૂપે મોદી કેબિનેટમાં તક મળી શકે છે. સાથે જ અહીં 2021માં વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. હવે ભાજપનું આગામી મિશન બંગાળમાં પોતાની સરકાર બનાવવાનું હશે.2022માં ઉત્તરપ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાશે. આ વખતે ભલે મોદીના નામ પર રાજ્યમાં મહાગઠબંધનને માત આપી દીધી પરંતુ યુપીમાં લડાઈ હંમેશા પડકારજનક રહેશે. એથી શક્ય છે કે, કેબિનેટ ફેરબદલીમાં યૂપીનું વિશેષ ધ્યાન રાખવામાં આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]